Page Views: 32474

કાપોદ્રામાં મારવા દોડેલા પતિને પત્નીએ ગળેફાંસો આપી મારી નાંખ્યો

સહયોગ સોસાયટીની ઘટનામાં પોલીસે ત્રણ દિવસ પછી પત્ની સામે પતિની હત્યાનો ગુનો દાખલ કર્યો

સુરત-20-9-2018

શહેરના કતારગામ વિસ્તારમાં ગત રોજ પત્નીએ પતિની હત્યા કર્યાની ઘટના બની હતી ત્યારે આવા જ પ્રકારની એક હત્યાનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગત રોજ બપોરે નોંધાયો છે. આ ઘટનામાં પણ પત્નીના હાથે પતિની હત્યા થઇ છે અને કાપોદ્રા પોલીસે આ મામલે ત્રણ દિવસ પછી ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટી ખાતે હરેશ વિનુ દૂધાત્રા અને તેમની પત્ની દયાબેન સાથે રહેતા હતા. હરેશ દૂધાત્રા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત તા. 16-9-2018ના રોજ રાત્રીના સમયે હરેશ દૂધાત્રા અને તેની પત્ની દયા વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હરેશ અને તેની પત્ની વચ્ચે ગાળાગાળી થઇ ગઇ હતી. જેથી રોષે ભરાયેલો હરેશ દૂધાત્રા પોતાની પત્ની દયાને મારવા માટે દોડ્યો હતો. પતિ પોતાને વારંવાર મારપીટ કરતો હોવાથી તેના ત્રાસથી કંટાળેલી દયાએ મારવા દોડી આવતા પતિ પર હુમલો કરીને તેને નીચે પટક્યો હતો. બાદમાં તેને ગળે ફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પતિ હરેશનું પ્રાણ પંખેરૂ ઉડી ગયાનું જણાતા દયા ત્યાંથી નાસી છુટી હતી અને પોલીસને એવુ જણાવ્યું હતું કે, તેના પતિએ આત્મહત્યા કરી લીધી છે. જો કે પોલીસે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમના આધારે ત્રણ દિવસ પછી એટલે કે ગત રોજ બપોરે દોઢ વાગ્યાના સુમારે હરેશ દૂધાત્રાની હત્યા તેની પત્ની દયા હરેશ દૂધાત્રાએ જ કરી હોવાની ફરિયાદ દાખલ કરી છે. આ મામલે કાપોદ્રા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.