Page Views: 20570

બંગાળની ખાડી પર સીસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદની આગાહી

સપ્તાહના અંત સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની હવામાન ખાતાએ સંકેત આપ્યા

અમદાવાદ-18-09-2018

બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે સાત દિવસમાં રાજ્યમાં હળવા વરસાદના સંકેત છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના લોકો ડબલ સીઝનનો અનુભવ થઇ રહ્યો છે. બંગાળની ખાડીના ઉત્તરે એક નવી લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઇ રહી છે. જેનો લાભ ગુજરાત રાજ્યને થઇ શકે છે. અને રાજ્યમાં હળવો વરસાદ થઇ શકે છે. એવી આગાહી હવામાન વિભાગે કરી છે કે, લૉ પ્રેશર તૈયાર થવાથી સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોને સીધી અસર થવાની સંભાવના છે. જેથી સૌરાષ્ટ્ર પંથકમાં હળવા ઝાપટા પડશે.

મહત્વનું છે કે, સોમવારે સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં તૈયાર થતી નવી સિસ્ટમની અસર આગામી ૪૮ કલાકમાં થશે. હવામાન ખાતાએ સ્પષ્ટ કર્યુ હતું કે, આગામી પાંચ દિવસમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હળવો વરસાદ થશે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર પંથકમાં તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. જ્યારે કચ્છ-ભૂજના વિસ્તારોમાં કોઇ અસર થશે નહીં. એટલે કે સૌરાષ્ટ્ર્ તથા ગુજરાતના કિનારાના વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી સર્જાઇ શકે છે. આગામી શુક્રવાર સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.