Page Views: 21222

કતારગામમાં બાળકીના ગુપ્તાંગમાં આંગળી નાંખનાર યુવાનને સાત વર્ષની કેદ

ગરીબ પરિવારની બાળકીને રમાડવાના બહાને લઇ જઇ હિતેશ મોદીએ વિકૃત હરકત કરી હતી

સુરત-18-9-2018

કતારગામ વિસ્તારમાં બાળકીને રમાડવાના બહાને લઇ જઇ તેના ગુપ્તાંગમાં આંગળી નાંખી ઇજા પહોંચાડનારા યુવાનને કોર્ટે સાત વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.

મળતી વિગતો અનુસાર, કતારગામ જીઆઇડીસી નજીક આવેલી ખુલ્લી જગ્યામાં રહીને ભંગાર વિણનારા પરિવારની બે વર્ષની દીકરીને નજીકમાં પાનનો ગલ્લો ચલાવતો હિતેશ ગીરીશ મોદી નામનો યુવાન રમાડવાના બહાને લઇ ગયો હતો. ત્યાર બાદ પાનના ગલ્લામાં જ આ બાળકીને પોતાના ખોળામાં બેસારીને હિતેશ મોદીએ તેણીના ગુપ્તાંગમાં આંગળી નાંખી દીધી હતી. જેથી આ માસુમ બાળકી રડવા લાગી હતી અને તેના પિતાને શંકા જતા તેઓ દોડીને હિતેશ પાસે ગયા હતા અને પોતાની બાળકીને ઉચકી લીધી હતી. બાળકીને ગુપ્તાંગમાં ગંભીર ઇજા થતા તેને પ્રથમ સારવાર માટે ખાનગી દવાખાનામાં લઇ જવાઇ હતી ત્યાર બાદ સ્મિમેર હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. આ બાળકીની માતાએ બનાવ અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેશ ગીરીશ મોદીની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે સરકારી વકીલ દિગંત તેવારની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાને ધ્યાનમાં લઇને હિતેશ ગીરીશ મોદીને પોસ્કો એક્ટ 354 (4) અંતર્ગત સાત વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયા દંડ તેમજ જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદનો હુકમ કર્યો હતો. ઉપરાંત પોસ્કો એક્ટ 354(8) હેઠળ ત્રણ વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયા દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.