Page Views: 22546

ડોનેટ લાઈફે ૨૧ દિવસમાં ૧૫ કિડની અને ૬ લિવરનું દાન કરાવી ૨૧ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાવી તેઓને નવજીવન આપ્યું

પ્રત્યારોપણના ઈતિહાસમાં એક મહિનામાં થયેલા પ્રત્યારોપણમાં ૬૦% થી વધુ ઓર્ગન ડોનેશન કરાવવાનો શ્રેય સુરતની ડોનેટ લાઈફ સંસ્થાને

સુરત-20-8-2018

ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા જુન મહિના દરમિયાન માત્ર ૨૧ દિવસના ટૂંકા ગાળામાં ૮ બ્રેનડેડ વ્યક્તિના પરિવારજનો દ્વારા ૧૫ કિડની અને ૬ લીવરના ડોનેશનથી ૨૧ વ્યક્તિઓને નવજીવન આપ્યું હોય તેવી સમગ્ર રાજ્યના પ્રત્યારોપણના ઇતિહાસમાં આ બીજી ઘટના છે.અમદાવાદ ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) માં તા. ૦૧-૦૬-૨૦૧૮ થી ૨૧-૦૬-૨૦૧૮ દરમ્યાન ૧૨ બ્રેનડેડ દાતાઓના અવયવદાનથી ૨૧ કિડની અને ૯ લિવર પ્રત્યારોપણો મળીને કુલ 30 વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું હતું. જેમાંથી સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ૮ બ્રેનડેડ દાતાઓ થકી ૧૫ કિડની અને ૬ લિવરના પ્રત્યારોપણ કુલ ૨૧ દર્દીઓમાં કરાવીને તેઓને નવજીવન આપવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ માં પણ અમદાવાદની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) માં ૩૦ મે થી ૨૨ જુન સુધીના  ૨૪ દિવસમાં ૧૧ બ્રેનડેડ દાતાઓના અવયવદાનથી ૨૧ કિડની અને ૧૨ લિવર પ્રત્યારોપણો મળીને કુલ ૩૩ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું હતું. જેમાંથી પણ સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ૭ બ્રેનડેડ દાતાઓ થકી કુલ ૧૩ કિડની અને ૮ લિવરના પ્રત્યારોપણ  ૨૧ દર્દીઓમાં કરાવીને તેઓને નવજીવન આપવામાં આવ્યું હતું. સુરતમાં ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન હોવા છતાં ગુજરાતમાં અમદાવાદની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) માં થતા ટ્રાન્સપ્લાન્ટમાં ૫૦% થી વધુ ઓર્ગન સુરત દ્વારા દાન કરાવવામાં આવી રહ્યા છે. અને તેને માટે કેડેવર ઓર્ગન ડોનર પરિવારની સાથે સાથે સુરત શહેરના ડોકટરો, હોસ્પિટલો, પ્રસાશન અને પ્રેસ અને મીડિયાનો સહકાર સાંપડ્યો છે.ડોનેટ લાઈફ સંસ્થા સમાજમાં ઓર્ગન ડોનેશન અંગેની જન-જાગૃતિ આવે તે માટે વિવિધ સ્કૂલો, કોલેજો, સામાજિક સંસ્થાઓ, સ્નેહમિલન સમારોહ, પ્રદર્શનો, વિવિધ ધાર્મિક ઉત્સવો અને તહેવારો, વોકાથોન-વોક ફોર ઓર્ગન ડોનેશન ના માધ્યમથી શહેરીજનોને સતત ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી રહી છે.ડોનેટ લાઈફે ગુજરાતના જુદા-જુદા શહેરોમાં પણ ઓર્ગન ડોનેશનની પ્રવૃતિનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે આણંદ અને ખેડા જીલ્લામાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે ની ઉજવણીના ભાગરૂપે તા. ૬ ઓગસ્ટ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન ઓર્ગન ડોનેશન અંગેની જન-જાગૃતિના પંદર જેટલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ચરોતર પંથકમાં ઓર્ગન ડોનેશન અંગેની માહિતી આપી તેની અગત્યતા સમજાવી હતી. આપણા દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે ત્યારે ડોનેટ લાઈફ તમામ શહેરીજનોને વિનંતી કરે છે કે જયારે પણ કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય કે તેની જાણકારી તેઓને પ્રાપ્ત થાય ત્યારે તેઓના અંગોનું દાન કરાવીને કિડની, લિવર અને હૃદય નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવા માટે આગળ આવે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૨૭૧ કિડની, ૧૧૦ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૧૮ હૃદય અને ૨૨૬ ચક્ષુઓના દાન મેળવીને ૬૨૮ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.