Page Views: 29055

લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદીએ તિરંગો લહેરાવ્યો : ૮૨ મિનીટ કર્યું સંબોધન

૨૦૨૨માં ભારતીય તિરંગો લઇ જશે અવકાશમાં, આયુષ્માન ભારત યોજનાની કરી જાહેરાત

નવીદિલ્હી-15-08-2018

દેશભરમાં આજે ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્લીના લાલ કિલ્લા પરથી પરંપરાગત રીતે ધ્વજવંદન કર્યું હતું. વડપ્રધાને પ્રથમ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. બાદ તેઓ લાલકિલ્લા પર પહોચ્યા હતા. જ્યાં રક્ષામંત્રી નિર્મલા સીતારામણેએ તેમનું સ્વાગત કર્યું હતું. જે પછી વડાપ્રધાને લાલ કિલ્લા પર તોપોની સલામી અને રાષ્ટ્રગાન વચ્ચે તિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચ.ડી. દેવ ગૌડા, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને બીજેપી લીડર એલ,કે અડવાણી લાલ કિલ્લા હાજર રહ્યા હતા. તેમજ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

વડપ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય પર્વ પર ૮૨ મીનીટનું સંબોધન કર્યું હતું. જેમાં તેમને શહીદ વીરો નમન કર્યાં હતા. તેમજ કવિતા અને કહેવત સાથે વિપક્ષ અને તેમના કામને આડે હાથ લઈને પ્રહારો કર્યાં હતા. આ ઉપરાંત ભાજપ સરકાર કેન્દ્ર માં આવ્યા બાદ તેણે લીધેલા લીધેલા નિર્ણયોની સિદ્ધિને વાગોળી હતી.

સંબોધન દરમિયાન વડાપ્રધાને વિવિધ જાહેરાતો પણ કરી હતી.જેમાં પ્રથમ જાહેરાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં ભારત અવકાશમાં માનવીને મોકલી ચોથો દેશ બનશે. ૨૦૨૨માં દેશ આઝાદીના ૭૫ વર્ષ પુરા કરશે, જે વર્ષમાં હાથમાં તિરંગો સાથે એક ભારતીય અવકાશમાં જશે અને અવકાશમાં તિરંગો લહેરાવશે.

તેમજ બીજી જાહેરાત કરતા મોદીએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાળની જયંતી પર ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ શરુ કરવામાં આવશે. આ યોજનાથી ગરીબોને સારી અને સસ્તી હેલ્થકેર સુવિધામળશે. આ યોજના અંતર્ગત લગભગ ૫૦ કરોડ લોકોને વર્ષે ૫ લાખ રૂપિયાના ઈલાજની નિ:શુલ્ક સુવિધાનો લાભ મળશે.જે યોજના અંતર્ગત ૧૦ કરોડ પરિવારને આવરી લેવાની કેન્દ્રની તૈયારી છે.       

તેમજ ત્રીજી જાહેરાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશની મહિલાઓ સશક્ત બને અન પુરુષો સાથે ખભેથી ખભા મિલાવીને ચાલે શોર્ટ સર્વિસ કમીશનની સુવિધા આપવામાં આવશે. જેમાં ભારતીય સશસ્ત્ર સેનામાં શોર્ટ સર્વિસ કમિશનના માધ્યમથી નિમવામાં આવેલી મહિલાઓને પુરુષની સમકક્ષ અધિકારીઓની માફક જ પરિક્ષા આપી સ્થાઈ રોજગાર મળી શકશે.