Page Views: 34377

શહેરના ડોક્ટરની અનોખી રાષ્ટ્રભક્તિ- ઓપરેશન દીઠ રૂ.500નું દાન આપશે જય જવાન નાગરિક સમિતિને

જય જવાન નાગરિક સમિતિના અગ્રણીઓએ ડોક્ટર અમુલખ સવાણીની મુલાકાત લઇ તેમની રાષ્ટ્રસેવાની ભાવનાને બિરદાવી

સુરત-14-8-2018

 

રાજ્યના વીર શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય આપવા માટે સુરતમાં કાર્યરત જય જવાન નાગરિક સમિતિને અનેક સંસ્થાઓ દ્વારા અને વ્યક્તિગત રીતે અવિરત પણે દાન મળતું રહે છે ત્યારે આજે શહેરના એક ડોક્ટર દ્વારા અનોખી રીતે વીર જવાનોના પરિવારોને મદદરૂપ થવા માટેનો સંકલ્પ જાહેર કરી જય જવાન નાગરિક સમિતિને દાનની જાહેરાત કરી છે. ડોક્ટર અમુલખભાઇ સવાણીએ આજે જય જવાન નાગરિક સમિતિના કન્વીનર કાનજીભાઇ ભાલાળા સહિતના અગ્રણીઓને મળીને એવો સંકલ્પ જાહેર કર્યો હતો કે, વર્ષ દરમ્યાન તેમના દ્વારા જે કંઇ ઓપરેશન કરવામાં આવશે તેમાં પ્રત્યેક ઓપરેશન દીઠ તેઓ જય જવાન નાગરિક સમિતિને રૂપિયા 500નું દાન કરશે. વર્ષના અંતે જેટલા પણ ઓપરેશન અમુલખભાઇ સવાણી દ્વારા કરવામાં આવશે તે પ્રત્યેક ઓપરેશન દીઠ તેઓ જય જવાન નાગરિક સમિતિને દાન પેટે રૂપિયા 500 આપવાના છે. ડોક્ટરની આ રાષ્ટ્રભાવનાને બિરદાવવા માટે આજે જય જવાન નાગરિક સમિતિના કન્વીનર કાનજીભાઇ ભાલાળા, એડવોકેટ અરવિંદભાઇ ધડુક, મનજીભાઇ કે. વાઘાણી, વિજયભાઇ માંગુકિયા તથા ભરતભાઇ વેકરીયા સહિતના અગ્રણીઓએ તેમની મુલાકાત લઇને તેમને બિરદાવ્યા હતા. 1999ના કારગીલ યુધ્ધ બાદ શહેરમાં સ્થપાયેલી જય જવાન નાગરિક સમિતિ દ્વારા ગુજરાતના શહીદોના પરિવારોને આર્થિક મદદ કરીને રાષ્ટ્રીયતાની અનોખી મીશાલ કાયમ કરવામાં આવી છે.