Page Views: 22087

સવર્ણો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત : વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખની લોનની સહાય

નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત: ધોરણ ૧૦-૧૨ બાદ વધુ અભ્યાસ માટે અપાશે સહાય; સંસ્થાઓને નહિ પરંતુ તમામ સહાય વિદ્યાર્થીઓને અપાશે

ગાંધીનગર-10-08-2018

ગુજરાત રાજ્ય સરકારે બિન અનામત વર્ગ માટે  આજે મહત્વની જાહેરાત કરી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બિન અનામત આયોગ અંગેની એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે જે લોકોને અનામતનો લાભ નથી, મળતો તે વર્ગના લોકો માટે રાજ્ય સરકાર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ યોજના બનાવવામાં આવી છે. તો સાથે તેઓએ એ પણ સ્પષ્ટતા કરી કે આ યોજનાથી અનામત મેળવતા વર્ગના લોકોને કોઈ નુકસાન નહી થાય.

નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, ફિઝિયોથેરાપીસ વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યૂશન ફી અથવા ૧૦ લાખ રૂપિયા તે બે પૈકી તે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.આ સહાયનો લાભ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીએ સામે શરત મુકવામાં આવી છે. જેમાં ધોરણ દસમાં ૬૦ ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ.જે લોકોની આવક મર્યાદા ૩ લાખ રૂપીયાથી ઓછી હોય તે પ્રકારના લોકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે. આ યોજના અંતર્ગત ૪ ટકા લેખે સાદા વ્યાજે લોન પણ પ્રાપ્ત થશે.

આ ઉપરાંત ધોરણ ૧૨ પછી એમબીબીએસ માટે , ડિપ્લોમા પછી ડીગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રિસર્ચ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.આ પ્રકારની સહાય માટેની શરતોમાં ધોરણ ૧૨માં ૬૦ ટકા, કુટુંબની વાર્ષિક આવક મર્યાદા સાડા ચાર લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

તમામ યોજનાનો લાભ વિદ્યાર્થી સરળતાથી મેળલી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે. એટલું જ નહીં તમામ સહાય વિદ્યાર્થીઓે જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યૂશન ક્લાસીસને ચૂકવવામાં આવશે નહીં. તો તમામ યોજનાનો લાભ આ વર્ષથી જ મેળવી શકાશે.