સુરત-16-7-2018
નેશનલ હાઇ વે પર કિમ ઓવર બ્રીજ પરથી પસાર થતા એક કેમિકલ ભરેલા કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આ આગની ઝપટમાં અન્ય બે ટ્રક પણ આવી ગયા હતા અને આ ત્રણેય વાહનો બળીને ખાક થઇ ગયા હતા.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, નેશનલ હાઇ વે ઉપર કીમ ઓવર બ્રીજ ઉપરથી આજે બપોરના સમયે એક કેમિકલ ભરેલુ ટેન્કર અંકલેશ્વર તરફથી સુરત તરફ આવી રહ્યું હતું ત્યારે તેમાં એકા એક આગ ભભૂકૂ ઉઠી હતી આગ એટલી પ્રચંડ હતી કે બચાવ અને રાહત કામગીરી માટે પણ ફાયર ફાઇટરો તેની નજીક જઇ શકે તેમ ન હતા. દરમિયાન આ કેમિકલ ભરેલા ટેન્કરની આગની લપેટમાં નજીકથી પસાર થતા બે ટ્રક આવી ગયા હતા અને તેનો સર સામાન પણ બળીને રાખ થઇ ગયો હતો. ટેન્કરમાં લાગેલી ભીષણ આગને કારણે નેશનલ હાઇ વે વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, સદનસીબે આ આગને કારણે કોઇને પણ ઇજા થઇ ન હતી. ટેન્કરની આગ એટલી વિશાળ હતી કે, નજીકમાં 50 મીટર સુધી ધુમાડો છવાઇ ગયો હતો.
• Share •