Page Views: 32697

શહેરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે લોકોને દર્શન આપવા નીકળ્યા

પાંચ સ્થળો પરથી નીકળી રથયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા

સુરત

દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં વિવિધ પાંચ જગ્યા પરથી ભગવાન જગન્નાથની રથયાત્રાની ધામધૂમ પૂર્વક અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી છે. શહેરના મહિધરપુરા, કતારગામ, જહાંગીરપુરા, પાંડેસરા, સહિતના વિસ્તારમાંથી આ રથયાત્રા ધામધુમથી યોજવામાં આવી હતી. શહેરના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી, મહિધરપુરા વિસ્તારમાં ગોળશેરી ના નાકે આવેલ ગોડિયા ગોપાલજીના મંદિરેથી, પાંડેસરા વિસ્તારમાંથી, તેમજ અમરોલી વિસ્તારના લંકાવિજય હનુમાન મંદિરેથી રથયાત્રા નીકળી હતી.આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.  

દર વર્ષે અષાઢી બીજના દિવસે પ્રભુ જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઇ નગરચર્ચાએ નીકળે છે. આ રથયાત્રાનાં પાવન અવસરને ખુબ જ શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે. સુરતમાં પણ રથયાત્રાનું ૫ સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે સુરત રેલ્વે સ્ટેશનથી યોજવામાં આવે છે. ત્યારે આજે બપોરના ૩ વાગ્યાના અરસામાં ભગવાનને રથમાં મંત્રોચ્ચાર સાથે બેસાડવામાં આવ્યા હતા. અને જીલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નર સહિતના મહાનુભાવો દ્વારા ભગવાનની આરતી કરીને રથયાત્રાનું પ્રયાણ કરવામાં આવ્યું હતું. જે યાત્રા રીંગરોડ, મજુરાગેટ, અઠવાગેટ, સરદારબ્રિજ, અડાજણ થઇ જહાંગીરપુરા ખાતે પૂર્ણ થઇ હતી. રથયાત્રામાં ભગવાનને ૧૦ ટન લપસી, ગુંદી અને ફળોનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. અને સાથે લોકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં ભગવાનની લીલાઓની ૧૨ વિવિધ ઝાંખીઓ મુકવામાં આવી હતી. આ રથયાત્રામાં ૨ લાખથી વધુ ભક્તો જોડાવાનો અંદાજ છે.

જેમાં અમરોલી ખાતે આવેલા લંકાવિજય હનુમાન મંદિરે છેલ્લા ૩૩ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને ૩૪માં વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અમરોલી વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારોમાં ફરી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને ભગવાનના વિહાર દર્શનનો લાભ લીધો હતો. તો બીજી તરફ આ રથયાત્રામાં ભગવાનને ૪૦ મણ મગનો તેમજ માખણનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જે બાદ ભક્તોને અપાયો હતો. આ રથયાત્રા સમગ્ર વિસ્તારમાં ફર્યા બાદ અમરોલી માનસરોવર સર્કલ પાસે ભગવાન જગન્નાથજીના રથને લોકોના દર્શને મુકવામાં આવશે. જ્યાં પોતાના માસીના ઘરે ૯ દિવસ રોકાયા બાદ ૨૨ તારીખે પ્રભુ નિજ મંદિરે પરત ફરશે.