Page Views: 32183

મુંબઇના વરસાદને પગલે નવ ટ્રેન રદ્- હજારો મુસાફરો અટવાયા

સંખ્યાબંધ સ્થળોએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મુસાફરોને ફુડ પેકેટ અને ચા-કોફીનું વિતરણ

 

સુરત-11-7-2018

છેલ્લા ત્રણ દિવસથી મુંબઇમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે નાલા સોપારા સહિતના સ્ટેશનો ઉપર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે અને ટ્રેઇનો આગળ જઇ શકે તેમ નથી. આવા સંજોગોમાં વેસ્ટર્ન રેલવે તંત્ર દ્વારા અમદાવાદ મુંબઇ વચ્ચેની અને એ સિવાયની લાંબા અંતરની કુલ નવ ટ્રેનો રદ્ કરી નાંખવામાં આવી છે અને આ તમામ ટ્રેનના મુસાફરોને રીફંડ આપવાની શરૂઆત કરી છે. બીજી તરફ સંખ્યાબંધ મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા ન હતા અને તેમને રસ્તામાં જ આશરો લેવાની ફરજ પડી હતી. મુસાફરો અડધે રસ્તે રઝળી પડ્યા હોવાને કારણે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મુસાફરોને ફુડ પેકેટ અને ચા કોફીનું વિનામુલ્યે વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. મુંબઇમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે ત્યાં જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે અને લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ અશક્ય થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યુ છે. સુરત સ્ટેશન પરથી સવારે રવાના થતી ફલાઇંગ રાણી એક્સપ્રેસ, વલસાડ મુંબઇ પેસેન્જર, વીરાર મેમુ, પનવેલ મેમું, ગુજરાત એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ, ડબલ ડેક્કર એક્સપ્રેસ રદ્ કરવામાં આવી હતી. જ્યારે દુરંતો એક્સપ્રેસ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઇના ધોધમાર વરસાદને પગલે મુંબઇ અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર સતત ચોથા દિવસે પણ ખોરવાયેલો રહ્યો છે અને લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વખત આવ્યો છે.