Page Views: 32544

મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલ્વે વ્યવહાર ખોરવાતા સુરત એસટી નિગમ આવ્યું મદદે

દર ૧ કલાક બસ રવાના કરીને મુસાફરોને મુશ્કેલીમાંથી ઉગારી રહ્યા છે.

સુરત-10-07-2018

મુંબઈમાં ભારે વરસાદ ને કારણે સમગ્ર ટ્રેઈન વ્યવહાર ખોરવાયો છે. જયારે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રેન ને ચલાવવમાં પણ મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.જેને લઈને સુરત થી મુંબઈ સુધીનો તમામ ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. આજે સુરત થઈને મુંબઈ જતી તેમજ મુંબઈ થઈને સુરત આવતી ટ્રેનો રદ કરી દેવા આવી છે..જેમાં ૨૫ થી વધી ટ્રેનોને રદ કરી હોવાની માહિતી મળવા પામી છે. આ ટ્રેન વ્યવહારને કારણે વલસાડ, ડાંગ નવસારી સહિતના જિલ્લાઓના લોકો પણ ફસાયા છે. તેમને સમયે ટ્રેન ન મળવાને કારણે લોકોને ઘરે પહોચવામાં મુશ્કેલી પડી રહી છે.

જયારે સુરત થી મુંબઈ જતા અને મુંબઈ થી સુરત આવતા લોકોની વહારે સુરત એસટી નિગમ આવ્યું છે. જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે લોકોની પરેશાની ને જોતા એસટી નિગમ દ્વારા બસો દોડાવવામાં આવી રહી છે. દર એક કલાકે સુરતથી મુંબઈ તરફ બસ રવાના કરવામાં આવી રહી છે.જેથી કોઈ પણ મુંબઈ કે વલસાડ સહિતના રસ્તાના સ્થળે જવાવાળા મુસાફરોને તેમની મુસાફરી માં કોઈ તકલીફ ન પડે. જયારે મુંબઈ માં ફસાઈ ગયેલા લોકોને પણ સુરત આવવા માટે એસટી નિગમની આ સેવાનો ભરપુર લાભ મળશે. હાલ દર એક કલાકે બસ ભરાઈ જતા તેમને તરત જ મુંબઈ તરફ રવાના કરવામાં આવી રહી છે.