Page Views: 25812

સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ મેઘરાજાની તોફાની બેટિંગ : અમરેલીમાં બે કલાકમાં સાડાચાર ઇંચ વરસાદ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : લોકોએ નાહવાનો આનંદ માણ્યો

અમરેલી-07-09-2018

સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીમાં મેઘરાજા ભારે વરસાદ સાથે મહેરબાન થયા છે. અહી બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા બે કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ-ગોંડલના વિસ્તારમાં ઝાપટાં પડ્યા હતા. સાથે મેટોડા અને મવડી સહિતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા ગયા હતા. આ ધોધમાર વરસાદ સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે. જયારે લોકોએ વરસતા વરસાદમાં ન્હાવાનો આનંદ માણ્યો હતો. રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે.

જયારે અમરેલી જીલ્લામાં આવેલા રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જ્યાં બે કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો અમરેલીના કોવાયા, વિક્ટર અને દાતરડી ગામોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડ્યો હતો. ગોંડલ પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેમાં ગોંડલ નેશનલ હાઇવે પર આવતા જામવાડી, ચોરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં તેમજ લોકોમાં પણ આનંદની લાગણી છવાઇ ગઇ હતી.