Page Views: 157323

ઉધના સિલિકોન શોપર્સમાં ખંડણી માટે ફાયરીંગ કરનારા ઝડપાયા

વેસુના પ્રખર ખન્ના, કરણ ફકીરા, વરાછાના જીગર પટેલ અને યોગેશ્વર મૈસુરિયાને પોલીસે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા

સુરત-23-6-2018

શહેરના ઉધના સિલિકોન શોપર્સમાં ઇલેક્ટ્રીક બલ્બવના વેપારી ઉપર બે રાઉન્ડ ફાયરીંગ કરી ખંડણી માટે ધમકી આપનાર ટોળકીને ઉધના પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીના તમામ સાગરીતો પાસેથી પોલીસે ચોરીના વાહનો સહિત પિસ્તોલ કબજે કરી છે.

પોલીસ કમિશનર સતિષ શર્માએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઉધના સિલિકોન શોપર્સના વેપારી અશોક બાલચંદ શાહની દુકાનમાં ગત તા.19.6.2018ના રોજ એક અજાણ્યા યુવાને બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે અલગ અલગ વિસ્તારના સીસી ટીવી ફુટેજ ચેક કર્યા હતા જેના આધારે વેસુ ખાતે રહેતા પ્રખર પ્રતિક ખન્ના, સચ્ચુ ઉર્ફે કરણ રામઅવતાર ફકીરા, કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક અને વરાછા રોડ પર રહેતા જીગર નીતિન પટેલ તેમજ પલસાણામાં રહેતા યોગેશ્વર મનોજ મૈસુરીયાને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ પ્લાન બનાવી અને સિલિકોન શોપર્સ ખાતે જ દુકાન ધરાવતા ભીખમચંદ જૈનને રૂપિયા બે કરોડની ખંડણી પડાવવા માટે ધમકી આપી હતી. ત્યાર પહેલા તેમણે બે મોબાઇલ ફોન ઝુંટવીને તેના સીમકાર્ડ બદલાવીને ધમકી આપી હતી. આ ચારેય આરોપીને હાલમાં પોલીસ પુછપરછ કરી રહી છે. તેમણે બિહારથી રૂપિયા 40 હજારમાં પિસ્તોલ ખરીદી હતી. તેમજ સ્પ્લેન્ડર મોટર સાયકલ વરાછા વિસ્તારમાંથી ચોરી કર્યું હતું. હાલમાં તમામની તપાસ જારી છે.