Page Views: 29257

રાજ્યમાં બે સ્થળો પર બન્યા ગમખ્વાર અકસ્માત : ૧૨ના મોત; ૪૦થી વધુ ઘાયલ

અંકલેશ્વર નજીક સુરતથી નીકળેલી લક્ઝરી બસને નડ્યો અક્સમાત; અમરેલી ખાતેથી સગાઈથી પરત ફરતો ટ્રક પુલથી ટ્રક નીચે ખાબક્યું

અમરેલી-23-06-2018

રાજ્યમાં વિવિધ બે જગ્યા પર થયેલા અકસ્માતમાં ૧૨ લોકોના મોત થયા છે.જયારે ૪૦ થી વધુ લોકોને ઈજા થઇ હોવાનું બહાર આવ્યું છે. પ્રથમ બનાવમાં નેશનલ હાઇવે-૪૮ પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ટ્રેલરની પાછળ લક્ઝરી બસે  ટક્કર મારતા માતા-પુત્રી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૧૫ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.જયારે અન્ય એક બનાવ ગત મોડી રાત્રે બન્યો હતો. જેમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પુલ પરથી ટ્રક નીચે ખાબકી હતી. આ ભયંકર અકસ્માતમાં ૭ લોકોના કરૂણ મોત થયા હતા અને ૨૫થી વધારે લોકો ઘાયલ થયા હતા.

મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે નં- ૪૮ પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ગત મોડી રાત્રે ટ્રેલર હાઇવે પર ઉભુ હતુ. આ સમયે સુરત થી જીજે-૧૪-X-૫૨૯૫ નંબરની બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ ગારીયાધાર જવા પેસેન્જર્સ ભરીને જઇ રહી હતી. પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસે ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી. જે અકસ્માતમાં લક્ઝરી બસનો એક તરફનો ભાગ આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો. લક્ઝરી બસમાં સવાર માતા-પુત્રી સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતા તમામને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ માર્ગ અકસ્માતમાં બસમાં સવાર પ્રવીણભાઇ ખેની, પ્રદીપભાઇ બાબર, કાળુભાઇ સોલંકી અને મમતાબેન મેર અને તેમની પુત્રી ધ્રુવી મેરનું ગંભીર ઇજાઓ થવાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.

જયારે બીજા બનાવ અમરેલી જિલ્લાના રાજુલાના નિંગાળા ગામ નજીક મોડી રાત્રે ઉનાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાં ગયેલ ટ્રક પરત ફરતી વેળાએ બન્યો હતો. આ ટ્રક નિંગાળાના પુલ પરથી પસાર થઇ રહ્યું હતું. દરમિયાન 15 ફૂટ નીચે ખાબકતા 60 લોકો ટ્રક નીચે દબાઇ ગયા હતા. અકસ્માત થતા વાતાવરણ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. તમામ લોકો મહુવાના જાદરા ગામના રહેવાસી છે અને ઉના તાલુકાના સોખડા ગામે આ પરિવાર સગાઈના પ્રસંગે ગયો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે આ દર્દનાક અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને જેસીબી અને ક્રેઇન વડે ટ્રક ઉંચો કરવાની કામગીરી કપરી હોવા છતાં પણ અડધી રાત્રે વહીવટી તંત્રએ પોતાની કામગીરી કરી હતી અને વધુમાં વધુ લોકોને બચાવવા માટે સરાહનીય કાર્ય કર્યું હતું.આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. તેમજ ૨૫ થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતનો ભોગ બનેતા લોકોને તાત્કાલિક રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો રાજુલા તાલુકાના તમામ સરકારી ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોની ટીમો સેવા આપવા માટે રાજુલાની હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા એસ.પી.નિર્લિપ્ત રાય સહિત જીલ્લા પોલિસનો કાફલો, અમરેલી એડિશનલ કલેક્ટર, મામલતદાર, ઘારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિતના લોકો અકસ્માતનો ભોગ બનેલા લોકોની મદદે આવી પહોંચ્યા હતા.