મુંબઈ-23-06-2018
જાહેરાત કર્યાના ત્રણ મહિના બાદ મહારાષ્ટ્ર સરકાર આજથી મુંબઈ મહાનગર સહિત રાજ્યભરમાં પ્લાસ્ટિકની સિંગલ-યૂઝવાળી ચીજવસ્તુઓ અને થર્મોકોલની વ્યાપક રેન્જ પર સજ્જડ પ્રતિબંધ લાગુ કરી દીધો છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોઈ પણ સાઈઝ, અને આકારની પ્લાસ્ટિકની થેલીઓ, દરેક પ્રકારની શોપિંગ બેગ્સ, પછી તે હેન્ડલવાળી હોય હેન્ડલ વગરની હોય, પ્રિન્ટિંગવાળી હોય કે એના વગરની હોય, કોઈ પણ પ્રકારની જાડાઈવાળા પ્લાસ્ટિકની હોય, કે કોઈ પણ મટિરીયલની હોય તે ઉપરાંત રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સમાં ખાદ્યચીજો કે પ્રવાહી વસ્તુને પેક કરવા માટે વપરાતા પ્લાસ્ટિકના ડબ્બાઓ તથા કટલરી ચીજો જેવી કે પ્લેટ્સ, ચમચીઓ, વાટકા, પાઉચ વગેરે પર પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે.આ પ્રતિબંધનો ભંગ કરનારને રૂપિયા ૫ હાજરથી લઈને રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકારવાની અને ત્રણ વર્ષની જેલની સજા કરવાની પણ જોગવાઈ છે. પ્લાસ્ટિકની જે ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકાયો નથી એનું રીસાઈક્લિંગ કરવામાં આવશે. એવી ભેગી થયેલી ચીજવસ્તુઓને રીસાઈક્લિંગ માટે મોકલી દેવામાં આવશે.પર્યાવરણને હાનિ કરે એવા પ્લાસ્ટિકનો હદબહાર ઉપયોગ થતાં સરકારે આ પ્રતિબંધ લાગુ કર્યો છે.પ્રતિબંધનો ભંગ કરવાના પહેલા ગુના બદલ રૂપિયા ૫ હજારનો દંડ થશે, ત્યારબાદ રૂપિયા ૧૦ હજાર અને ત્રીજા વાર ગુના બદલ રૂપિયા ૨૫ હાજરનો દંડ અને ત્રણ મહિનાની જેલની સજા થશે.
::::: કાપડ અને શણની થેલીઓની ખરીદીમાં વધારો ::::::
જેમની પાસે પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ હજી પડેલી હોય એ તેમણે રસ્તા પર ગમે ત્યાં ન ફેંકી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંકલન કેન્દ્રોમાં જમા કરાવી દેવો એવી સૂચના પાલિકા તંત્ર તરફથી આપવામાં આવી છે. જે માટે ૩૭ સંકલન કેન્દ્રો શરુ કર્યાં છે.શુક્રવાર સુધીમાં પાલિકા સંકલન કેન્દ્રોમાં 145 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો એકઠો થયો હતો.પ્લાસ્ટિક પ્રતિબંધનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવા માટે મહાપાલિકાએ 250 અધિકારીઓને સત્તા આપી છે. આ અધિકારીઓ આજથી શહેરના વિવિધ ભાગોમાં ફરીને ચાંપતી નજર રાખતા રહેશે.મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગોદામોને સીલ કરી દેવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે.જયારે આ પ્રતિબંધ બાદ કાપડ અને શણની થેલીઓના વેચાણમાં વધારો થયો છે.
• Share •