Page Views: 28509

સુરત મની કાર્ડ થી BRTS અને સિટી બસમાં ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ

આ કાર્ડ વડે પાલિકાની સેવાઓ સાથે મોલ, કરીયાણા કે રિટેલ આઉટલેટ પરથી ખરીદી પણ કરી શકાશે

સુરત-19-05-2018

સુરત મહાનગર પાલિકાએ વિવિધ સેવાઓ અને સુવિધાઓના ઉપયોગ માટે ઓપન લૂપ સ્માર્ટ કાર્ડ કોમન સિટી પેમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ એટલે સુરત મની કાર્ડ. ભારત સરકારની સ્માર્ટસિટી યોજના અંતર્ગત સુરત માટે નિયત કરેલ વિવિધ પ્રોજેટ્સ પૈકી કોમન સિટી પેમેન્ટ કાર્ડ પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્ડ ICICI બેંકના સહયોગથી સુરતીઓને કો-બ્રાન્ડેડ, પ્રિ-પેડ/ક્રેડિટ/ડેબિટ કાર્ડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સુરત મની કાર્ડ રોકડ નાણાની ચૂકવણીના સ્થાને ડિજિટલ સ્વરૂપે સુરત મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ જેવી કે શહેરી પરિવહન માટે બી.આર.ટી.એસ., સિટી બસ, પે એન્ડ પાર્ક, આનંદ પ્રમોદ માટે સરથાણા ઝૂ એન્ડ નેચર પાર્ક, સાયન્સ સેન્ટર, એક્વેરિયમ, પબ્લિક પાર્કસ તેમજ મેમ્બરશીપ આધારિત લાઈબ્રેરી, સ્વિમીંગ પુલ, સ્પોર્ટ્સ કોપ્લેક્ષ જેવી સુવિધાઓમાં મદદરૂપ બનશે. નિયત સેવાઓ માટે નાગરિકો દ્વારા નિયત કરેલ ફી કે ચાર્જ ચૂકવવો પડે છે, અથવા મેમ્બરશિપની વ્યવસ્થા હોય છે. પરંતુ હવે આ પ્રકારની સેવાઓ માટે સુરતના નાગરિકો એક જ કોમન કાર્ડ- સુરત મની કાર્ડથી ડિજિટલ પેમેન્ટ કરી શકે છે. મનપા સિવાય ખાનગી રિટેઈલ આઉટલેટ, મોલ, કરિયાણા, શો-રૂમ, શોપ પરથી પણ ખરીદી માટે પણ ઉપયોગ કરી શકશે.

કાર્ડ ટેપ-એન્ડ-ગો થી BRTS અને સીટી બસ વિગેરેમાં ટિકિટ લેવાની ઝંઝટમાંથી શહેરીજનોને મુક્તિ મળશે. વળી, લાઈબ્રેરી, સ્વીમીંગ પૂલ જેવી સુવિધાની મેમ્બરશીપ માટે પણ આ કાર્ડ ઉપયોગી બનશે.

સુરત મની પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સુરત મની કાર્ડનો ઉપયોગ BRTS ના પાલ-કોસાડ રૂટ પર ટિકિટ-લેસ ટ્રાવેલિંગ માટે કરી શકાશે. ટૂંક સમયમાં સુરતના અન્ય BRTS રૂટ ઉપર પણ આ કાર્ડની મદદથી ટિકિટલેસ ટ્રાવેલિંગની સુવિધા તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

સુરત મની કાર્ડની મદદથી સિવિક સેન્ટર ખાતે મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ માટે જરૂરી ચુકવણાં માટે પણ ઉપયોગી બનશે. મની પ્રોજેક્ટ અંતર્ગત ICICI  બેંક દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં સર્વિસ ડિલીવરી આઉટલેટ ઉભા કરાશે. જેના થકી કાર્ડ મેળવવા માટે અરજીઓ સ્વીકારવાની, કાર્ડ ઇસ્યુ કરવાની, કાર્ડને ટોપઅપ કરવાની કામગીરી તથા સુરત મહાનગરપાલિકાના ટેક્સ પેમેન્ટ માટેની સુવિધા આ આઉટલેટ્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરોક્ત સુવિધાઓ મનપાના નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે પણ કરવામાં આવશે.