Page Views: 21404

બર્થ ડે પાર્ટીમાં ફોમ છાંટ્યુંને 18ને આંખમાં બળતરા થઇ

તમામ અસર ગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલમાં લવાયા

સુરત-23-4-2018

બર્થ ડે પાર્ટીમાં છાંટવામાં આવતા ફોમ અને સ્પ્રે ક્યારે ક મુસીબત ઉભી કરે છે. પાંડેસરામાં રહેતા છ પરિવારના સભ્યોને ગઇ રાત્રે ફોમ આંખમાં જવાથી મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. આ તમામને પ્રાથમિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગતો અનુસાર, પાંડેસરા રામેશ્વર નગર ખાતે રહેતા અખિલેશ સીંગના પુત્રનો ગત રોજ બર્થ ડે હતો. પરિવાર દ્વારા ઘરે જ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેક કાપ્યા બાદ અખિલેશ સીંગના મિત્રોએ ફોમ અને સ્પ્રે ઉડાવી અને વાતાવરણ રંગીન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ફોમ આઉટ ડેટેડ આવી ગયું હશે અથવા તો તેમાં કેમિકલની માત્રા વધારે હશે જેના કારણે બર્થ ડે કેક કપાઇ ત્યાં સુધી ફોમની આસપાસ ઉભા રહેલા લોકોની આંખોમાં ફોમનું ઇન્ફેકશન લાગી ગયું હતું. મોડી રાત્રે આ તમામ 18 વ્યક્તિને આંખોમાં બળતરા થવા લાગતા બધા ગભરાયા હતા અને તાત્કાલિક 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ તમામ અસર ગ્રસ્તો એક સાથે જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેમની આંખો ચેક કરવામાં આવી હતી. જો કે, ઇન્ફેકશન સામાન્ય પ્રકારનું હોવાને કારણે કોઇ મોટી મુશ્કેલી થઇ ન હતી પરંતુ તમામ 18 વ્યક્તિ થોડા સમય માટે ગભરાઇ ગયા હતા.