Page Views: 37031

અનામતના વિરોધમાં સવર્ણો-ઓબીસી દ્વારા આજે ભારત બંધ

મધ્ય પ્રદેશમાં ૧૪૪ લાગુ, ઇન્ટરનેટ સેવા બંધ

નવી દિલ્હી:-

               દેશભરમાં અનામત મુદ્દે સવર્ણો અન્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ૧૦મી એપ્રીલે એટલે કે મંગળવારે અનામતના વિરોધમાં દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાન સવર્ણો અને ઓબીસી દ્વારા કરવામાં આવ્યું છે. જેને પગલે અનેક રાજ્યોમાં અત્યારથી જ એલર્ટ આપવામાં આવ્યું છે.

             કેન્દ્ર સરકારે રાજ્યોની સરકારોને સતર્ક રહેલા તેમજ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવા કહ્યું છે. કેન્દ્રના એલર્ટ બાદ મધ્ય પ્રદેશમાં અગાઉથી જ સંવેદનશિલ જિલ્લાઓમાં ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે અહીંના ભીંડમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઇ છે. નોકરીઓ અને શિક્ષણમાં જાતી આધારિત અનામત આપવામાં આવી છે તેને હટાવી આર્થિક આધાર પર અનામત આપવાની માગ સાથે દેશભરમાં સવર્ણો અને ઓબીસી દ્વારા આ બંધનુ એલાન કરવામાં આવ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું છે કે પોતાના વિસ્તારમાં જો કોઇ પણ પ્રકારની હિંસા થાય તો તેના માટે સીધી રીતે જિલ્લા અધિકારી અને પોલીસ અધિકારી વ્યક્તિગતરુપે જવાબદાર રહેશે. લગભગ એક સપ્તાહ પહેલા દલિતો દ્વારા ભારત બંધ દરમિયાન ભારે હિંસા થઇ હતી અને ખાનગી તેમજ સરકારી સંપત્તિની તોડફોડ અને આગજનીની ઘટનાઓ સામે આવી હતી. જેને પગલે હવે આવી કોઇ ઘટના ન થાય તેમજ જાતી-જાતી વચ્ચે કોઇ ઘર્ષણ ન થાય તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્ય સરકારોને એલર્ટ રહેવા કહ્યું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ જે હિંસાઓ થઇ હતી તેવી હિંસાઓ ન થાય તેને ધ્યાનમાં રાખીને આ એલર્ટ આપવામાં આવ્યું છે. અમને એવો સંદેશ મળ્યો છે કે દેશમાં વીવીધ સવર્ણ તેમજ ઓબીસી સંગઠનો દ્વારા અનામતના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારોને એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

            નોંધનીય છે કે અનામતના વિરોધમાં સોસિયલ મીડિયા પર અનેક સવર્ણ તેમજ ઓબીસી સંગઠનોએ ભારત બંધનુ એલાન કર્યું હોવાના અહેવાલો મીડિયામાં આવતા જ સરકારે રાજ્યોને સતર્ક રહેવાનો આદેશ જારી કરી દીધો હતો. આ ઉપરાંત એક એડવાઇઝરી પણ જારી કરી છે. આરક્ષણ હટાવો દેશ બચાવોના નારા સાથે અનેક સંદેશાઓ સોશીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. સાથે ૧૦મી એપ્રીલે ભારત બંધના પોસ્ટર પણ વોટ્સએપ અને સોશિયલ મીડિયા વહેતા કરવામાં આવ્યા છે.