Page Views: 23249

જય જવાન નાગરિક સમિતિને રૂ.38 હજારનું દાન

જે.બી.એન્ડ બ્રધર્સ ડાયમંડ કંપનીના કર્મચારીઓએ દેશ સેવા માટે બચત કરવાનો સંકલ્પ લઇ રકમ એકત્ર કરી

સુરત-23-3-2018

સુરત શહેરના નાગરિકોમાં હંમેશા રાષ્ટ્ર ભાવના ધબકતી જોવા મળે છે. શહેરના જાણીતી એવી હીરા ઉદ્યોગની પેઢી જે.બી. એન્ડ બ્રધર્સના સ્ટાફ દ્વારા જય જવાન નાગરિક સમિતિને રૂપિયા 38 હજારનું દાન આપવામાં આવ્યુ છે. આજ રોજ આ ચેક જય જવાન નાગરિક સમિતિના અગ્રણીઓને આપવામાં આવ્યો હતો.

સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં જાણીતી એવી જે.બી.એન્ડ બ્રધર્સ ડાયમંડ કંપનીના પોલીસીંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારી મિત્રોએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા ગુજરાતના શહીદોના પરિવારને મદદરૂપ થવાની ભાવના સાથે ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન રકમ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ બચત શરૂ કરવામાં આવી હતી. જ્યારે રૂપિયા 38 હજાર જેટલી રકમ એકત્ર થઇ ત્યારે તેમણે જય જવાન નાગરિક સમિતિના અગ્રણીઓનો સંપર્ક કર્યો હતો. આજ રોજ જે બી એન્ડ બ્રધર્સના કર્મચારી કેતનભાઇ, કૌશિકભાઇ, દીપકભાઇ તથા પંકભાઇ ખાંટ વિગેરેએ જય જવાન નાગરિક સમિતિના કન્વીનર કાનજીભાઇ ભાલાળા,દેવચંદભાઇ કાકડીયા તથા મનસુખભાઇ વાઘાણીને રૂ.38 હજારનો આ ચેક ગુજરાતના શહીદ પરિવારોને આર્થિક મદદ માટે આપ્યો હતો. જય જવાન નાગરિક સમિતિ દ્વારા આગામી 26મી જુલાઇના રોજ કારગીલ વિજય દિને યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતના જે જવાનો શહીદ થયા છે તેમના પરિવારોને સુરત બોલાવી અને પુરા સન્માન સાથે આર્થિક મદદ કરવામાં આવશે.  ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતના છ જવાનો વીરગતિ પામ્યા છે.