Page Views: 38497

કાપોદ્રામાં યુવાનના હાથમાંથી રોકડા રૂ.4 લાખની લુંટ

બે બાઇકર્સ ભરચક વિસ્તારમાંથી લુંટ ચલાવી નાસી છુટ્યા

સુરત-23-8-2018

 

 આજે બપોરે શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી એક યુવાનના હાથમાંથી બે અજાણ્યા બાઇકર્સ રોકડા રૂપિયા ભરેલો થેલો આંચકીને નાસી છુટ્યા હતા. બનાવ અંગે જાણ થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના યોગીપાર્ક ખાતે આવેલા યોગેશ્વર રો હાઉસમાં રહેતા સાગર કાળુભાઇ જીનૈયા આજે બપોરે કાપોદ્રા ચાર રસ્તા નજીક આવેલા ઝડફીયા સર્કલ નજીક બેન્કમાં નાણા ઉપાડવા માટે ગયો હતો. બેન્કમાંથી રોકડા રૂપિયા ચાલ લાખ લઇને આ રકમ થેલામાં મુકીને તે પોતાના બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે ત્યાં આવેલા બે અજાણ્યા ઇસમોએ સાગર પાસેથી રોકડા રૂપિયા ચાર લાખ ભરેલી બેગ આંચકી લીધી હતી. સાગરે ચોર ચોરની બુમ પાડી હતી પરંતુ સ્થાનિક લોકો તેની મદદ માટે આવે એ પહેલા જ આ બન્ને લુંટારૂઓ મોટર સાયકલ પર પલાયન થઇ ગયા હતા. કાપોદ્રા જેવા ભરચક વિસ્તારમાં તસ્કરો કસબ અજમાવીને નાસી છુટતા સ્થાનિક પોલીસના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે. હાલમાં સાગરની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે લુંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.