Page Views: 16346

કાશ્મીરના કુપવાડામાં આતંકી હુમલો: ત્રણ જવાન ,શહીદ બે પોલીસ શહીદ

વધુ એક આંતકીનું મોત થતા આંતકીઓનો મૃત્યુઆંક વધીને પાંચ

શ્રીનગર:-

      જમ્મુ-કાશ્મીરના  કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે નવેસરથી થયેલી અથડામણમાં બે પોલીસકર્મી અને બે જવાન શહીદ થયા હતાં. ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ જ સ્થળે ચાર આતંકીઓનાં મોત થયા હતાં. પેટ્રોલિંગ કરી રહેલા જવાનો પર આતંકીઓએ ગોળીબાર કરતા સેના અને પોલીસને ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી હતી.

       અથડામણમાં બે પોલીસકર્મી અને બે જવાન શહીદ થયા હતા અન્ય બે જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે.ગઇકાલે કુપવાડા જિલ્લાના અરમપોરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનો પર આતંકીઓએ ગોળીબાર કરતા આ અથડામણ શરૃ થઇ હતી.

        સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ અથડામણ સમગ્ર રાત ચાલી હતી. ગઇકાલે ચાર અજાણ્યા આતંકીઓનાં મોત થયા હતાં.આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં બાલાકોટે સેક્ટરમાં અંકુશ રેખા પાસે પાકિસ્તાની સેનાએ ગઇકાલ રાતે મોર્ટારમારો અને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની અવળચંડાઇને પગલે સરહદે આવેલા ગામોના રહેવાસીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ બાલાકોટે સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ ને નાગરિક વસાહતોને નિશાન બનાવી હતી. જેના પગલે ભારતીય સેનાને વળતો પ્રહાર કરવાની ફરજ પડી હતી.ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૮ માર્ચના રોેજ પાકિસ્તાની સેનાએ પૂંચ જિલ્લાના એક સરહદી ગામમાં કરેલા મોર્ટારમારાને પગલે પાંચ નાગરિકોના મોત થયા હતાં.