Page Views: 159444

શહેરના અગ્રણી ઉદ્યોગપતિ વસંત ગજેરાની વેસુની 18500 ચો.મી. જમીન વિવાદમાં ધરપકડ

જુના સર્વે નંબર 482 નવા સર્વે નં-280વાળી જમીન મામલે વજુ માલાણીએ હાઇકોર્ટમાંથી ઓર્ડર લાવી મોડી રાત્રે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સુરત-21-3-2018

શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંતભાઇ હરિભાઇ ગજેરાની વેસુની કરોડો રૂપિયાની એક જમીનના વિવાદમાં ઉમરા પોલસ દ્વારા અટકાયત કરાયા બાદ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સુરત શહેર સહિત રાજ્યભરની બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે.

ડીસીપી વિધી ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,  શહેરના પુણા કુંભારીયા રોડ પર આવેલા સજાવટ બંગલોમાં રહેતા વજુભાઇ નાગજીભાઇ માલાણીની જમીન વેસુ ખાતે આવેલી છે. આ જમીનનો જુનો સર્વે નંબર 482 અને નવો સર્વે નંબર 280 છે. અંદાજે 18500 ચોરસ મિટર જમીન મામલે વજુભાઇ અને વસંતભાઇ ગજેરા વચ્ચે વિવાદ ચાલતો હતો. અગાઉ આ મામલે બે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી અને સિવિલ કોર્ટમાં પણ દાવો ચાલતો હતો. સિવિલ કોર્ટમાં વસંતભાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તવેજો બોગસ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. વજુભાઇની  માલિકીની આ જમીનનો કબજો મેળવવા માટે વસંતભાઇ હરિભાઇ ગજેરા સહિતના લોકોએ બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હતા. જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી અને તેના ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી લીધી હતી તેમજ બોગસ હિસાબોની બેલેન્સસીટ બનાવી હિસાબી વાઉચરો પણ બનાવી લીધા હતા. જે તે સમયે આ મામલે ઉમરા પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ અંગે એસીપી એફ ડિવિઝનને પણ તપાસ સોંપવામાં આવી હતી. દરમિયા હાઇકોર્ટ દ્વારા વેસુની આ જમીન મામલે વસંતભાઇ ગજેરા વિરૂધ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કરવામાં આવતા ગત રાત્રે આ મામલે સત્તાવાર ગુનો નોંધાયો છે અને આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી છે.

ઃઃઃઃઃઃમોટા માથાઓએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ધામા નાંખ્યા

હીરા ઉદ્યોગના અગ્રણી કમ બિલ્ડર વસંતભાઇ ગજેરાની જમીન વિવાધમાં ધરપકડ થયાની વાત શહેરમાં વાયુવેગે પ્રસરી હતી. બપોર સુધીમાં શહેરના જાણીતા બિલ્ડરો સહિત કહેવાતા મોટા માથાઓ લક્ઝુરીયસ કાર સાથે ઉમરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. તમામ પોત પોતાના જેક લગાવીને સમગ્ર પ્રકરણમાં કોઇ રસ્તો નીકળે તેમ છે કે કેમ તેનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જો કે, શહેર પોલીસ દ્વારા કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર કે રાજકીય દબાણમાં આવ્યા વગર હાઇકોર્ટના હુકમનું શબ્ધશઃ પાલન કરીને ગુનો દાખલ કરીને વસંતભાઇ ગજેરાની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી.