Page Views: 84787

ઘોડદોડ રોડ પર CA અભિષેક વખારીયા અને SGST નો અધિકારી કે.પી.સાગર 40 હજાર લાંચ લેતા ઝડપાયા

ઘોડદોડ રોડ પર આવેલી મીઠાઇની દુકાનવાળા પાસે 30 હજાર ટેક્સ ઉપરાંત રૂ.80 હજાર લાંચ માંગી હતી

સુરત-17-3-2018

એસીબીના અધિકારીઓએ આજે શહેરના પોશ એવા ઘોડદોડ રોડ પર પ્રેકટીસ કરતા સી એ અને એસજીએસટીના એક ક્લાસ ટુ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ બન્ને દ્વારા મીઠાઇના એક દુકાનદારને દબડાવીને તેની પાસેથી એસજીએસટી વસુલ કરવા ઉપરાંત લાંચની માંગણી કરવામાં આવતી હતી. આ ઘટનાને પગલે શહેરના સી એ પ્રેકટીશનરમાં ચકચાર મચી ગઇ છે અને અધિકારીઓને સાથે રાખીને ભ્રષ્ટાચાર આચરતા આવા સી એ ને ખુલ્લા પાડવાની માંગણી ઉઠી છે.

શહેરના ઘોડદોડ રોડ પર આવેલા કાકડીયા કોમ્પલેક્સ સામે એક જાણીતી મીઠાઇની દુકાન આવેલી છે આ મીઠાઇની દુકાનમાં એસ જીએસટીના અધિકારી કે.પી.સાગર અને તેમની ટીમ દ્વારા તપાસનું તરકટ ગોઠવવામાં આવ્યું હતું. મીઠાઇના વેપારીને લાંબી ટુંકી રકમ ટેક્સ પેટે ભરવી પડશે એવુ કહીને પહેલા ગભરાવી દેવાયો હતો. બાદમાં ઘોડદોડ રોડ પર પ્રેકટીસ કરતા સી એ અભિષેક વખારીયાને વચ્ચે રાખી અને કે.પી.સાગરે એવુ કહ્યું હતું કે, તમારે 30 હજાર રૂપિયા એસજીએસટી ભરવાનો થાય છે તેની સામે 80 હજાર રૂપિયાનો વ્યવહાર કરવો પડશે. મીઠાઇના વેપારીએ પતાવટ કરવાનું કહેતા આખરે સી એ અભિષેક અને એસ જીએસટીના અધિકારી કે.પી.સાગર રૂપિયા 40 હજાર લાંચ લેવા રાજી થયા હતા. બીજી તરફ મીઠાઇના વેપારી દ્વારા આ અંગે એસીબીના ડીવાયએસપી આર એસ પટેલનો સંપર્ક કરીને સી એ અભિષેક વખારીયા અને એસ જીએસટીના ક્લાસ ટુ ઓફીસર કે પી સાગર વિરૂધ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. આજે બપોર બાદ સી એ ની ઘોડદોડ રોડ ખાતેની ઓફીસમાં મીઠાઇની દુકાન ઘરાવતા વેપારીએ સી એ અભિષેક અને કે પી સાગરને લાંચની રકમ આપતાની સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને આ બન્નેને લાંચની રકમ સહિત ઝડપી પાડ્યા હતા. હાલમાં આ બન્નેની એસીબીના અધિકારીઓ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે.