Page Views: 119497

ગ્લો સ્ટાર ડાયમંડ લુંટના 6 આરોપીઓ ઝડપાયા- મુદામાલ રિ-કવર કરાયો

અત્યાર સુધીમાં છ આરોપી પોલીસને હાથ લાગ્યા- પોલીસ એક બે દિવસમાં કરશે સત્તાવાર વિગતો જાહેર

સુરત-17-3-2018

શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ગ્લો સ્ટાર ડાયમંડના કર્મચારીને આંતરીને રફ ડાયમંડની લુંટ ચલાવનારી ટોળકીના કેટલાક સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. માત્ર ત્રણ દિવસમાં જ પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઇ છે અને મોટા ભાગનો તમામ મુદામાલ રિ કવર કર્યો છે. જો કે, મુખ્ય આરોપી હજુ પોલીસની પહોંચથી દૂર હોવાનું કહેવાય છે અને આ અંગેની તમામ વિગતો પોલીસ ટુંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરશે એવુ પોલીસ અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરના નંદુ ડોશીની વાડી નજીક આવેલા ગ્લો સ્ટાર ડાયમંડના કર્મચારીઓને બુધવારે સાંજના સમયે આ વિસ્તારમાં જ આવેલા સેફ ડિપોઝીટ વોલ્ટમાં તેઓ રફ ડાયમંડ મુકવા માટે જતા હતા ત્યારે કેટલાક લુંટારૂઓએ આંતરીને ફાયરીંગ કર્યું હતું. બાદમાં આ કર્મચારીઓ પાસેથી અંદાજે 2200 કેરેટ જેટલા રફ ડાયમંડની લુંટ ચલાવીને લુંટારૂઓ નાસી છુટ્યા હતા. આ લુંટમાં અંદાજે રૂપિયા 20થી 22 કરોડના રફ ડાયમંડ ગયા હતા. આટલી મોટી લુંટની ઘટનાને આરોપીઓ અંજામ આપીને નાસી છુટ્યાની વાતથી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના અધિકારીઓની પણ આ તપાસમાં મદદ લેવામાં આવી હતી. પોલીસને બે દિવસની મહેનતના અંતે સફળતા હાથ લાગી છે. તેમજ આ લુંટને અંજામ આપનારા મુખ્ય આોરી સિવાયના અન્ય છ વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રફ ડાયમંડનો કેટલોક જથ્થો પણ કબજે કર્યો છે. આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો તેમાં કતારગામ વિસ્તારના સીસી ટીવી કેમેરાની તપાસમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હોવાનું કહેવાય છે. આજે સાંજ સુધીમાં પોલીસ કમિશનર સત્તાવાર રીતે પત્રકાર પરિષદ યોજી અને આ તમામ વિગતો જાહેર કરશે એવુ જાણવા મળી રહ્યુ છે.