Page Views: 29656

કાશ્મીરમાં સુરક્ષા ગાર્ડના શસ્ત્રો ખુંચવવાનો પ્રયાસ કરનાર બે આતંકી ઠાર

અન્ય ઘટનામાં કુલગામમાંથી આતંકી ઝડપાયો : ચીની પિસ્તોલ સહિતના શસ્ત્રો

શ્રીનગર:-

                     સુરક્ષા દળના જવાનોએ, શસ્ત્રો ખેંચી જવાનો પ્રયાસ કરી રહેલા બે ત્રાસવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. ભાજપના એક નેતાના વ્યકિતગત સુરક્ષા ગાર્ડ (પી.એસ.ઓ)ની રાઈફલ ખુંચવી લેવા પ્રયાસ કર્યો હતો. કાશ્મીરના પુલાવામા જિલ્લામાં બલ્હામા ખાતે ભાજપના નેતા અન્વરખાનના ગાર્ડ સાથે આ ઘટના બની હતી. ખાનના ગાર્ડ તરીકે ફરજ બજાવતા બિલાલ અહેમદની સર્વિસ રાઈફલ ખુંચવી લેવા માટે બે આતંકીએ તેના પર હુમલો કર્યો હતો. પણ બિલાલ અહેમદે તેનો પુરેપુરો સામનો કરીને બન્નેને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.

            જો કે આ સંઘર્ષમાં બિલાલ અહેમદને પણ ગોળીથી ઇજા થઈ છે. પોલીસ પ્રવકતાએ કહ્યું હતું કે બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. જેમની ઓળખ થવી હજી બાકી છે. બન્ને પાસેથી શસ્ત્રો, દારૃગોળો મળી આવ્યા છે. ઘટના સ્થળે ત્રીજો આતંકી છુપાયો હોવાની બાતમીને આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. શસ્ત્ર ખુંચવી લેવાના પ્રયાસ સમયે ત્રીજો આતંકી હાજર હોવાના અહેવાલને પગલે તેને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન રાજ્યના કુલગામ જિલ્લામાંથી સુરક્ષાદળોએ એક શંકાસ્પદ ત્રાસવાદીને ઝડપીને તેની પાસેથી શસ્ત્રો અને દારૃગોળો ઝડપ્યો છે. સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના ટાકીયા અદિજાન ખાતે આવેલા ચેક નાકા પર જિલ્લાનાંજ બુગામના વતની શાહનવાઝ અહમદ મિરની અટકાયત કરીને ચેકીંગ કરતા, તેની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, એક મેગઝીન, પાંચ રાઉન્ટ અને ૧૦ હજાર રૃ.નું ભારતીય ચલણ મળી આવ્યા હતા. તેની પુછપરછમાં એ વિગત સામે આવી હતી કે મિર ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. તેની સામે કાનૂનની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો છે.