Page Views: 7531

સુપ્રિમે કહ્યું બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિન્ક કરવાનું હજુ વિચારણા હેઠળ

આગામી 31મી માર્ચની સમય મર્યાદામાં આધાર લિન્ક કરવાનું સરકાર લોકોને મજબુર ન કરી શકે

દિલ્હી-13-3-2018

આધાર કાર્ડને બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરવાના સરકારના હુકમ બાદ સુપ્રિમ કોર્ટે બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને મોટી રાહત આપતો નિર્ણય જાહેર કર્યો છે. આગામી 31મી માર્ચ 2018 સુધીમાં જો તમારૂ આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરેલું નહીં હોય તો પણ તમારે કોઇ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. સરકાર આધાર લિન્ક કરવાની ફરજ ન પાડી શકે એવુ પણ સુપ્રિમે જણાવ્યું છે.  સુપ્રીમ કોર્ટે બેન્ક એકાઉન્ટ અને મોબાઇલ ફોનને આધાર સાથે લિન્ક કરાવવાની અનિવાર્યતાને તેની બંધારણીય વૈધતાનો નિર્ણય ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે ટાળી છે. આધાર સાથે લિન્ક કરાવવાની આખરી મુદત 31 માર્ચ સુધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ બાબતમાં ચુકાદો આવ્યા સુધીમાં આધાર લિન્ક કરાવવાનું અનિવાર્ય નહિ હોય. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે એવું પણ જણાવ્યું કે આ બાબત અદાલતના વિચારણાધિન છે ત્યાં સુધી સરકાર ફરજિયાત આધાર લિન્કિંગ માટે લોકોને મજબૂર ન કરી શકે. ઉલ્લેખનીય છે કે પાંચ સભ્યોની બંધારણીય બેન્ચ આધાર સ્કીમની બંધારણીય યોગ્યતાને લગતી સંખ્યાબંધ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ગઇ સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે આધાર સંબંધિત અરજીઓ પર 31 માર્ચ સુધી નિર્ણય કરવાનું સંભવિત નથી.