Page Views: 28304

ભારતીય આદિવાસી સાહિત્યની બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનું સમાપન

આપણે આનંદ પામવા વલખાં મારીએ છીએ, આદિવાસી પોતાના તમામ કામમાંથી આનંદ મેળવે છે

 

 

સૂરત તા. ૧૧: એમ.ટી.બી. આર્ટસ કોલેજના શતાબ્દી પર્વ નિમિત્તે ઇન્દીરા ગાંધી

રાષ્ટ્રીય જનજાતીય વિશ્વવિદ્યાલય, અમરકંટક સાથે સંયુક્ત રીતે યોજાયેલા ‘ભારતીય આદિવાસી સાહિત્ય’ વિષયક બે-દિવસીય આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીમાં અમરકંટક યુનિવર્સીટીના લુપ્ત ભાષા કેન્દ્રના નિયામક ડો. દિલીપ સિંહજીના અધ્યક્ષ પડે યોજાયેલા સત્રમાં દેશના વિવિધ ભાગોમાં આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્યના દર્શન થયાં હતાં.

 

દેશના જાણીતા આદિવાસી હિન્દી કવયિત્રી નિર્મલા પુતુલે કહ્યું કે આદિવાસી સાહિત્ય પહેલાં તો બિનઆદિવાસી સાહિત્યકારો લખતા હતાં. તેમણે લાભ કરતાં નુકસાન વધુ કર્યું છે. તેમણે તેમની કૃતિઓ દ્વારા આદિવાસીઓને અસભ્ય, જંગલી, અણગઢ, લુચ્ચા, અંધશ્રદ્ધાળુ ચીતર્યા હતાં. એમાં અંગ્રેજોનો પણ મોટો અને ખોટો ફાળો હતો. ધીમે ધીમે મોડેથી આદિવાસીઓમાં શિક્ષણ આવ્યું, હવે તેઓ ખુદ બોલે અને લખે છે. પોતે પણ એમાંના એક છે એવું જણાવીને નિર્મલાજીએ કહ્યું,‘મેં સરળતાથી અને તરલતાથી જે જોયું તે મારી કવિતામાં લખ્યું છે.આજે દલિત સાહિત્ય અને આદિવાસી સાહિત્યની એક અલગ ઓળખ બની છે.એવું કહીને તેમણે પોતાની જાણીતી કવિતા ‘ક્યા હું મૈ તુમ્હારે લીયે, એક તકિયા?’ રજૂ કરીને સન્નાટો ફેલાવ્યો હતો.

 

દક્ષિણ ભારતમાં રહીને હિન્દીનો ફેલાવો કરવાનું મહત્વનું કાર્ય કરનારાઓમાના એક અને હૈદરાબાદથી આવેલા ઋષભદેવ શર્માએ પૂર્વોત્તર રાજ્યોના આદિવાસી સાહિત્યની માહિતી વિગતે આપી હતી.તેમણે પૂર્વોત્તરની જૂની આદિવાસી નીશી પ્રજાના ખેતી ઉત્સવના આરંભની પૂજા વિશે જણાવ્યું કે આ પૂજામાં પહેલાં નરબલી ચડાવતા, જે પછી બળદ અને હવે મરઘા જેવાં પક્ષીઓના બલિદાન પર આવ્યું છે, હિંસા ઘટીને નારિયેળ કે લીંબુની આહુતિ સુધી પહોંચી જશે, એ દિવસો દૂર નથી.એમની પૂજા માટેની એક ધાર્મિક ધૂન સંભળાવીને ઋષભદેવે તેનું વિકૃત રીમીક્સ સ્વરૂપ સંભળાવીને સમજાવ્યું કે આપણે આદિ સંસ્કૃતિને આ રીતે વિકૃત કરી છે.તેમના જણાવ્યા મુજબ આદિવાસી સાહિત્યનો બહુ નાનો અંશ લિપિબદ્ધ થયો છે, મોટે ભાગે તે મૌખિક છે. એકલા ત્રિપુરા જેવાં નાના રાજ્યમાં આદિવાસીઓની ૪૦ જેટલી જનજાતિઓ છે.તેમના આદિ ગુરુ અને તેમના બે પુત્રોની કથાઓ જોતાં તે હિંદુ ધર્મના શિવજી અને ગણેશ-કાર્તિકેયના સ્વરૂપો જેવાં લાગે છે.જોકે હવે એ જનજાતિઓનો ઘણો ભાગ પોતાની વાતો જાતે કહેતો થયો છે.એમના આદિ દેવ સૂર્ય છે. મઝાની વાત એ છે કે તેમના સૂર્ય દેવ નથી પણ દેવી છે. સૂર્યની તેઓ દેવી કે માતા રૂપે પૂજા કરે છે, જેમાંથી આ સૃષ્ટિ જન્મી હોવાનું માને છે, જે વૈજ્ઞાનિક પણ લાગે છે.તેઓની વધુ કથાઓ બહાર લવાઈ રહી છે.તેમની કવિતાઓ-ગીતો ઉત્તમ છે, તેમાં લોરી છે, મૃત્યુ ગીતો –રુદાલી- છે, પ્રેમ અને ઉત્સાહના ગીતો તો છે જ, તેમાં શ્રમના ગીતો પણ છે.તેમની કથાઓમાં પશુઓ પાત્રો છે, જેમાંથી તેઓ પશુઓના સ્વભાવની ચર્ચા કરે છે, જે ‘જંગલ બુક’ કે ‘ઈસપની કથાઓ’થી કમ નથી.બિન આદિવાસી લેખકોએ તેમના ઘણાં તથ્યોને તોડી-મરોડીને લખ્યાં હતાં. તેમણે આ આદિવાસીઓને બીજા ગ્રહથી આવેલાં, નરભક્ષી રૂપે પણ વર્ણવ્યા હતાં. તેમની મહિલાઓને ઉતરતા ચારિત્ર્યની ચીતરાતી હતી. આજે પણ સભ્ય સમાજના માલેતુજારો એમની મહિલાઓનું શોષણ કરે જ છે.જોકે આજે હાલત બદલાઈ રહી છે. તેમના લેખકો-કવિઓ રચના કરે છે પણ તે બોલીમાં હોય છે, તેની લિપી નથી. તેથી મોટું કામ એ સાહિત્યને વ્યાપક હિન્દી ભાષામાં લાવવાનું કરવાનું છે.પૂર્વોત્તરના રાજ્યોની આદિવાસી પ્રજાની હાલત અને સાહિત્યને ઉજાગર કરવા માટે ઋષભદેવ ‘પૂર્વોત્તર સમન્વય’ નામનું સામયિક પણ સંપાદિત કરે છે.

 

સેન્ટ્રલ યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરતા અને દક્ષિણ રાજસ્થાનના યુવા વક્તા રાજેન્દ્ર કુમાર મીણાએ ‘આદિવાસી સાહિત્ય સામેના પડકાર’ વિષય પર રજૂઆત કરી.આદિવાસી સાહિત્ય કોને કહેવું? એના જવાબમાં મીણાજીએ કહ્યું,જેમાં આદિવાસીઓ પ્રત્યે સંવેદના, વસ્તુ નિષ્ઠા, જીવન દર્શન, સહભાગિતા, સ્વભાવ હોય, જે સાહિત્યમાં આદિવાસીઓના જ્વલંત મુદ્દાઓ ઉઠાવાયા હોય,તેમના શિક્ષણ, ધર્મ, નક્સલવાદના મુદ્દા, તેમના વિકાસની તરફેણ અને શોષણનો પ્રતિરોધ હોય. કમનસીબે આદિવાસી સાહિત્યમાં તેની માત્રા ઘણી ઓછી છે.પડકાર એ છે કે તેનો આધાર માંજ્બિત હોવો જોઈએ, આદિવાસી ઇતિહાસનું પુનર્ગઠન થવું જોઈએ. આદિવાસી મિથકોની ચર્ચા કરતા મીણાએ કહ્યું કે નદીમાંનો પથ્થર જેમ વર્ષોના વહેણ સહીને આકાર બદલે છે, તેમ આદિવાસી મિથકો પણ બદલાતાં રહે છે.જેમકે, એકલવ્ય પર લખાયેલી અનેક કૃતિઓ દ્વારા એકલવ્યનું મિથક બદલાતું રહે છે.

 

રાજેન્દ્ર કુમાર મીણાએ કહ્યું કે આદિવાસીની ઘણી ભાષાઓ લુપ્ત થઇ ચૂકી છે અને ઘણી લુપ્ત થવાની કગાર પર છે.એક ભાષા જયારે મરે છે કે લુપ્ત થાય છે ત્યારે ખરેખર તો એક આખી સંસ્કૃતિ લુપ્ત થાય છે. ગત વર્ષે આંદામાનમાં એક એવી મહિલાનું નિધન થયું જે તેમની ભાષા જાણનારા છેલ્લાં હતાં. તેઓ અન્યોની ભાષા જાણતા નહોતા અને તેમની ભાષા કોઈ જાણતું નહોતું. એ મહિલા આ જગત છોડી ગયાં ત્યારે એક આખી ભાષા, વર્ષોની સંસ્કૃતિ પણ તેમની સાથે લેતાં ગયાં.આદિવાસી પરંપરા કેટલી જૂની છે તે સમજાવતા મીણાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના સુદૂર ટાપુ પર એક આખી આદિવાસી પ્રજાતિ સિત્તેર હજાર વર્ષો જૂની હતી.ભારતીય સંસ્કૃતિ પંચ હજાર અને મિસરની સંસ્કૃતિ જો સાત હજાર વર્ષ જૂની હોય તો આ પ્રજાતિ માટે શું કહેવું? પણ અંગ્રેજોએ ઓસ્ટ્રેલિયા પર રાજ કરતાં એ પ્રજાતિ અંગે પણ વિકાસના નામે ખટપટ કરીને તેને દુષિત કરી હતી. આ પડકાર છે. આવા વિકાસની દેશ કે દુનિયાને જરૂર છે ખરી?

 

મહારાષ્ટ્રમાં આદિવાસી સાહિત્યની સ્થિતિ વિશે વિષદ રજૂઆત અમરાવતીના સંજય લોહકરે કરી હતી.તેમણે કહ્યું કે માનવ જાતિનું આધુનિકીકરણ તેની સોચ બદલે છે અને તેનું પરિણામ સાહિત્યમાં જોવા મળે છે.કોઈ પણ સાહિત્યનું કેન્દ્ર માનવ હોવું જોઈએ.પણ આદિવાસી સાહિત્યની કેન્દ્ર મનુષ્ય ઉપરાંત બીજું કશુક હોવું જોઈએ. આ બીજું કશુંક શું છે?એક બે દ્રષ્ટાંત દ્વારા તેમણે એ સમજાવ્યું.તેઓ એક સુદૂરના આદિવાસી ગામમાં ગયા હતાં. ત્યાં એક પરિવારના મોભી સમાન દાદાજીની દેખરેખ હેઠળ આખું પરિવાર ખેતી માટે પૌધાની વાવણી કરતો હતો. દાદાજી સતત સુચના આપતાં, ‘ત્યાં એક નહીં ત્રણ રોપો..’વગેરે. આખું પરિવાર સમસમીને તેમનું કહ્યું માનતું હતું, પણ કોઈએ વિરોધ ન કર્યો. અંતે દાદાને પુછાયું, ‘આવું કેમ?’ દાદાજી કહે, ‘આ ખેતર કઈ આપણું એકલાનું થોડું છે? એ કાદવ અને જળમાં રહેલાં અસંખ્ય જીવો, દેડકાં, સાપ અને માછલીઓનું પણ છે. બે છોડ એમને માટે પણ વાવવા પડેને? તોજ ત્રીજો છોડ આપણને ધાન ઉગાડી આપશે.’ બીજો દાખલો જુઓ: એક ગામમાં આદિવાસી ઘરમાં જયારે જઈએ ત્યારે બહારના ઝરણાંમાંથી પાણી લાવીને આપે. અમે પૂછ્યું, ‘આવું કેમ? તમે ઘરમાં પાણી ભરી નથી રાખતા?’ તો કહે, ‘પાણી પર કંઈ આપણી માલિકી થોડી જ છે કે એને ઘરમાં ભરી રખાય?’ આવું કશુંક બીજું આવે તો તે આદિવાસી સાહિત્ય ગણાય.

 

સંજય લોહકરે કહ્યું, મરાઠીમાં આદિવાસીઓ વિષયક બિનઆદિવાસી લેખકોની ૬૦ નવલકથાઓ છે. પણ તેમાંની ઘણી એવી છે જેણે પુરી તાકાતથી આદિવાસી સમાજનું વિકૃતીકરણ કરે છે.એની સામે આદિવાસી લેખકોની માત્ર બાર નવલકથાઓ આવી છે, જે તેમના સમાજનો આયનો બનીને આવી છે. સંજયજીએ કહ્યું, ‘દેશ આઝાદ થયાંના ૭૦ વર્ષોમાં મહારાષ્ટ્રના ૩૬ હજાર ખેડૂતોએ આપઘાત કર્યા છે પણ એમાં એક પણ આદિવાસી નથી!’

 

આદિવાસી સમાજ અને દેશના દુષણ સમો નક્સલવાદ પણ ચર્ચામાં લેતાં સંજય લોહકરે કહ્યું, એક નવલકથામાં આદિવાસીઓ નક્સલવાદનું સમર્થન કરતાં ચિતરાયા છે. ખરેખર આવું નથી.તેઓ તો શાંતિથી જીવવા માંગે છે. એક આદિવાસી ગામમાં જઈ તેમણે પૂછ્યું હતું, ‘નક્સલવાડ મીટાવવા શું કરવું જોઈએ?’ એક આદિવાસી બુઝુર્ગે કહ્યું હતું, ‘થોડી વાર નક્સલવાદ દૂર રાખો, અમારા સમાજમાં સેવા કરવા આવેલાં તમારા કાર્યકરો પણ દૂર રાખો. અમે આદિવાસીઓ નક્સલવાદનો પ્રાકૃતિક ઉકેલ શોધી લઈશું.’

 

તેઓ આદિવાસીઓ સાહિત્ય લખે તેના આંદોલન સાથે જોડાયા છે એવું કહી સંજય લોહકરે જણાવ્યું કે, ‘આદિવાસીઓમાં અનેક સાહિત્યકારો છે. તેમના ૧૦ વાર્તા સંગ્રહો અને બાર નવલકથાઓ આવી છે. આપણને તે સાહિત્યિક રીતે નબળી લાગે, પણ તેનું કારણ એ લેખકોને અપાયેલું નબળું શિક્ષણ છે.’

 

દક્ષિણ ગુજરાતના બારડોલી વિસ્તારના આદિવાસીઓ સાથે જોડાયેલા વિક્રમસિંહ ચૌધરીએ ગૌરવથી જણાવ્યું કે તેઓ એમ.ટી.બી. આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે.તેમની માતૃભાષા ચૌધરી છે, જે પણ લુપ્ત થઇ રહી છે.તેના ઉપાય રૂપે તેમણે સૂચવ્યું કે ધો. પાંચ સુધી બાળકોને ફરજીયાત માતૃભાષામાં જ ભણાવવા જોઈએ. તો બાળકો અને ભાષા બંને બચી જશે.બાકી ભાષા અને સંસ્કૃતિ કદી નિમ્ન ન હોઈ શકે.કમનસીબે એવી એવી અવધારણા ઠાંસી ઠાંસીને ભરાય છે.આદિવાસીને અસંસ્કૃત કેમ કહેવાં? તેમની પૂજાને અંધશ્રદ્ધા કેમ કહેવી?આપણો તેમના લોક સાહિત્યનો અભ્યાસ છીછરો છે.એક લાલબત્તી ધરતા વિક્રમસિંહે કહ્યું, અહીંના જે આદિવાસીઓ ભણી ગયાં છે, કમનસીબે તેઓ જ એમના લોકજીવન, પરંપરા, સંવેદનાને સમજવામાં ઉણા ઉતરે છે.તેમણે લુપ્ત થતી ભીલી ભાષા માટે એવોર્ડ જાહેર કરાવ્યા છે. એક ‘ભીખુ’ નામની હિન્દી વાર્તાનો હવાલો આપીને તેમણે જણાવ્યું કે ‘પીએચડી કરતો એક વિદ્યાર્થી આદિવાસી ગામમાં ગયો, રહ્યો, મુસીબતો ઝીલીને દોઢેક વર્ષ રહ્યો અને અભ્યાસ કર્યો. એના અભ્યાસમાં સૌથી વધુ મદદ તેને ગામના ગોવાળિયા છોકરાએ કરી. તે ગોવાળિયો ત્યાંની વનસ્પતિ, પ્રાણીઓ અને પશુ-પક્ષીઓ માટે એટલી સૂક્ષ્મ વિગતો જાણતો હતો કે તેને અભણ કેમ કહેવો? વિદ્યાર્થીએ ગામથી પરત થઈને પોતાના માર્ગદર્શક શિક્ષકને કહ્યું, પીએચડી ની ખરી ઉપાધિનો અધિકારી તો પેલો ગોવાળિયો છે’.

વિક્રમસિંહે કહ્યું કે અમારા ડાંગ વિસ્તારમાં કોઈનું મૃત્યુ થાય તે દિવસે આખો સમાજ કામ કરતો નથી. અમે એક ગામમાં ગયાં તો સાંકડી નદીના બંને કિનારે હકડેઠક લોકો ઉમટ્યાં હતાં. પૂછતાં ખબર પડી કે તેઓ કોઈ એક આદિવાસી યુવાનના મૃત્યુના શોકમાં આવ્યા છે. તેઓ કોને માટે આવ્યા હતાં તે પણ જાણતા નહોતા, બસ, એક યુવાનનું મૃત્યુ જ શોકનું કારણ બન્યું હતું. આ એમનો સમાજ છે.આપણો સમાજ આનંદ શોધવા માટે કેટકેટલું કરે છે? જયારે આદિવાસી અમાજ જે કરે છે તેમાંથી આનંદ મેળવે છે.આદિવાસી પાસે જે ડહાપણ છે, તેનો આપણને અંદાજ નથી.આપણે માત્ર તેમના પર દોષારોપણ ન કરીને પણ તેમની મોટી સેવા કરી શકીએ.

 

તમામ વક્તાઓના વક્તવ્યને સત્ર અધ્યક્ષ અમરકંટક યુનિવર્સીટીના ડૉ. દિલીપ સિંહજીએ સુયોગ્ય રીતે છણાવટ કરીને સ્પષ્ટ કર્યા હતાં. આ સત્રનું સંચાલન નરેશ કાપડીઆએ કર્યું હતું. ત્યાર બાદ હિન્દી અને ગુજરાતી ભાષામાં ‘ભારતીય આદિવાસી સાહિત્ય’ પર ચાલીસ જેટલાં પેપર્સ રજૂ થયાં હતાં.

 

બે દિવસીય સંગોષ્ઠીનો અંત આણતા ડૉ. દિલીપ સિંહજીએ કહ્યું હતું કે સત્રોના આયોજન, વક્તવ્યો, પ્રશ્નોત્તરી તમામ રીતે આ સંગોષ્ઠી ફળદાયી હતી.આવી વધુ એક સંગોષ્ઠી માટે એપ્રિલ માસમાં અમરકંટક યુનિવર્સીટી દ્વારા તેમણે આમંત્રણ આપ્યું હતું.

 

૦-૦