Page Views: 7490

દેવું માફી સહિતની માગઃ 40 હજાર ખેડૂતો પહોંચ્યા મુંબઈના આઝાદ મેદાન

દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યો

મુંબઈઃ 

         સંપૂર્ણ દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો છે. 200 કિલોમીટરની પદયાત્રા કર્યાં બાદ ખેડૂતો વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી ગઈ છે. મોડી રાત્રે ખેડૂતોને મળવા પહોંચેલા રાજ ઠાકરેએ કહ્યું કે, "તેઓને જ્યારે મારી જરૂર હશે, હું હાજર થઈ જઈશ." કોંગ્રેસે પહેલાં જ આ મોર્ચાને સમર્થન આપી દીધું છે. સોમવારે મુખ્યમંત્રી અને ખેડૂત સભાના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક થશે.

          અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં નાસિકથી નીકળેલા આક્રોશિત ખેડૂતોનો જથ્થો મુંબઈના આઝાદ મેદાન પહોંચી ગયો છે. સંપૂર્ણ દેવુંમાફી સહિતની માંગોને લઈને ખેડૂતો લગભગ 200 કિલોમીટરની પદયાત્રા કરીને મુંબઈ પહોંચ્યા છે. હાલ સુધી ખેડૂતોની માગને લઈને સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ આ માગોના વિચારને લઈને એક કમિટી બનાવવામાં આવી છે. ત્યારે નારાજ ખેડૂતો સોમવારે વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાત બપોરે 2 વાગ્યે થશે, જે બાદ ખેડૂતો આગામી પગલાં અંગે પોતાનો નિર્ણય કરશે.મુંબઈના ટ્રાફિક જોઈન્ટ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું કે, " ખેડૂતોના આંદોલનને લઈને કોઈપણ માર્ગ બંધ નથી કરાયો. તેમજ કોઈપણ રૂટને ડાયવર્ટ પણ નથી કરાયો." 6 માર્ચથી નાસિકથી પદયાત્રા કરીને ખેડૂતોનો કાફલો રવિવારે મુંબઈ પહોંચ્યા હતા. ત્યાં સુધી લગભગ 40 હજાર ખેડૂતો આ કાફલામાં જોડાય ગયા છે.

       આંદોલન કરી રહેલાં ખેડૂતોની પહેલી માગ સંપૂર્ણ રીતે દેવું માફી છે. બેંકોમાંથી લેવામાં આવેલું દેવું ખેડૂતો માટે બોજરૂપ બની ગયું છે. હવામાન બદલવાથી દર વર્ષે પાકને નુકસાન થાય છે. ત્યારે ખેડૂતો ઈચ્છે છે કે તેઓ દેવામાંથી મુક્તિ મળે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે મહારાષ્ટ્રાના વધુમાં વધુ ખેડૂતો પાક બરબાદ થવાથી વિજળી બીલ નથી ચુકવી શકતા, તેથી તેઓને વીજળી બિલમાં છૂટ આપવામાં આવે. પાકના યોગ્ય ભાવ ન મળવાથી પણ ખેડૂતો નારાજ છે. સરકારે હાલના બજેટમાં ખેડૂતોને MSPની ભેટ આપી હતી, પરંતુ કેટલાંક સંગઠનોનું માનવું છે કે કેન્દ્ર સરકારની MSPની યોજના માત્ર દેખાડો છે. ખેડૂતો સ્વામીનાથન આયોગની ભલામણો પર લાગુ કરવાની માગ કરી રહ્યાં છે.