Page Views: 45010

સ્પંદન 2018 ભાવિ ડોક્ટરોએ કર્યું સ્ટેજ પર પર્ફોમ

શહેરની ઓ.હી.નાઝર આયુર્વેદ હોસ્પિટલ ખાતે દર્દીઓને મળે છે આધુનિક સારવાર ઃ ડો.સી.એમ.વાઘાણી

સુરત-9-3-2018

 શહેરના વરાછા રોડ રેલ્વે સ્ટેશન ગરનાળા નજીક આવેલી ઓ.હી.નાઝર આયુર્વેદ કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય અને તેમને પોતાની આવડતનું નિદર્શન કરવાની તક મળે એ માટે સ્પંદન 2018નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાનપુરા ટીંબલિયાવાડ ખાતે આવેલા જીવન ભારતી હોલમાં આયોજીત આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી અને સુરત શહેર ભાજપના મહામંત્રી ડો.જગદીશભાઇ પટેલે ઉદઘાટન કર્યું હતું. જ્યારે કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શહેરના જાણીતા બિલ્ડર અને સંસ્કાર ભારતી વિદ્યાલયના ચેરમેન અનુભાઇ તેજાણી ઉપસ્થિત રહ્યા હતા. વરાછા કો-ઓપરેટીવ બેન્કના એડવાઇજર એ.ડી. ભલાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સ્પોન્સર તરીકે ડો.મનોજભાઇ પટેલ, ડો.નિરવભાઇ શાહ, સર્વોદય સહકારી બેન્ક, ધી વરાછા કો-ઓપરેટીવ બેન્ક, મહાલક્ષ્મી આયુર્વેદ સ્ટોર્સ, અંબિકા આયુર્વેદ એજન્સી, જય અંબે મેડીકલ સ્ટોર્સ, ગુફીક હર્બલ, હિમાલિયા ફાર્માસ્યુટીકલ કંપની, એટ્રીમેડ ફાર્માસ્યુટીકલ કંપનીનો સહકાર મળ્યો હતો. આયુર્વેદ કોલેજના આચાર્ય ડો. સી એમ વાઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની આયુર્વેદ કોલેજોમાં સૌથી વધારે ઉત્સાહી વિદ્યાર્થીઓ સુરતના છે અને તેમની કલા અને આવડત જોવાનો આ લહાવો અનન્ય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરતની આયુર્વેદ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ વર્ષમાં દર્દીઓની સેવાના વ્યાપમાં વધારો કરવામાં આવ્યો છે. દાંતની સારવારનો વિભાગ અને સોનોગ્રાફી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે અને દર્દીઓને રાહત દરે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અનુભાઇ તેજાણીએ આપણી પ્રાચીન આયુર્વેદ ચિકીત્સા પધ્ધતીમાં તમામ રોગ માટેની દવાઓ છે અને જો એલોપેથીની દવાઓથી દૂર રહેવામાં આવે તો કેન્સર જેવી બિમારીમાં પણ આયુર્વેદમાં સારવાર છે. આ કાર્યક્રમમાં આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફિલ્મી ગીત, ડાન્સ, ડ્યુએટ ડાન્સ, મિમિક્રી, મોનો એક્ટિંગ, ગરબો, પેરોડી, સ્કીટ વિગેરે રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડો. મનોજભાઇ ઉપાધ્યાય દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ સ્ટેજ ફંકશનની આભાર વિધી ડો.જગદીશભાઇ મહેતાએ કરી હતી.