Page Views: 26774

માથા ફરેલા દિલીપ લખીયાએ વૃધ્ધને કહ્યું રિવોલ્વરની તમામ ગોળીઓ ધરબી દઇશ

એન આર આઇ વૃધ્ધ દિલીપ ગમન પટેલને જમીનની મેટરમાં ધમકી આપનારા લખીયાની ધરપકડ

સુરત-9-3-2018

અગાઉ હત્યા કેસમાં જેલવાસ ભોગવી ચુકેલા વરાછા રોડના માથાભારે દિલીપ લખીયાએ લાંબા સમય બાદ પોત પ્રકાશ્યુ છે અને એક જમીનના મામલામાં એનઆરઆઇ વૃધ્ધને ધમકી આપી છે. આ જમીનના વિવાદમાં વૃધ્ધને તેની સોસાયટીના ફંકશનમાં જઇને રિવોલ્વરની તમામ ગોળિઓ ધરબી દેવાની ધમકી આપનાર દિલીપ લખીયાને મહીધરપુરા પોલીસે ઝડપી લઇ તેની પુછપરછ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મહિધરપુરા સહયોગ સોસાયટી ખાતે હોળીના દિવસે કોમન પ્લોટમાં સોસાયટીના સભ્યો દ્વારા ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાત્રે નવ વાગ્યાની આસપાસના સમયે અમેરિકામાં રહેતા એનઆરઆઇ વૃધ્ધ દિલીપભાઇ ગમનભાઇ પટેલ (ઉ.વર્ષ-65) પાસે આવીને દિલીપ છગનભાઇ લખપતિ ઉર્ફે દિલીપ લખીયાએ દિલીપભાઇ પટેલને લાફા માર્યા હતા તેમજ એવુ કહ્યું હતું કે, તમારા પરિવારના ભાણેજ જીગ્નેશ જનક પટેલ સાથેની જમીનની તકરારમાં તે મધ્યસ્થી કરી અને બરોબર નથી કર્યું તે ખોટું કર્યું છે હું તારી હત્યા કરી નાંખીશ અને રિવોલ્વરની તમામ ગોળીઓ તને ધરબી દઇશ. જાહેરમાં વૃધ્ધને ધાક ધમકી આપવામાં આવતા જમણવારમાં આવેલા સોસાયટીના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. સ્થાનિક લોકોએ દિલીપ ગમનભાઇ પટેલને લખીયાના હાથમાંથી છોડાવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. દિલીપ ભાઇ પટેલને ધમકી આપીને લખીયો ત્યાંથી સફેદ કલરની કારમાં બેસીને જતો રહ્યો હતો જો કે, દિલીપભાઇ પટેલના પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો એટલે મહિધરપુરા પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને દિલીપ લખીયાને ઝડપી લઇ તેની પુછપરછ હાથ ધરી છે.