Page Views: 13392

સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદોઃ 'ઈચ્છામૃત્યુ'ને આપી શરતી સમંતી

ગંભીર રોગથી પીડાતી વ્યક્તિ નક્કી કરી શકશે કે ક્યારે દુનિયા છોડવી છે

નવી દિલ્હી:-

             સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપતા ‘મરણાસન્ન વ્યક્તિએ લખેલી ઇચ્છા મૃત્યુના વિલને કાયદેસર ગણાવ્યું છે.’ આ સાથે જ બંધારણની દ્રષ્ટીએ મૂળભૂત હકો પૈકી એક જીવન જીવવાનો હકની કલમ 21ને લગતો આ મહત્વપૂર્ણ ચુકાદો સાબિત થશે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ‘જેમ લોકોને સમ્માનથી જીવવાનો હક્ક છે તેમ સમ્માનપૂર્વક મરવાનો પણ હક્ક છે. ગંભીર રોગથી પડાતી વ્યક્તિ કે જેના સારા થવાની કોઈ આશા જ નથી તે નક્કી કરી શકશે કે ક્યારે પોતે અંતિમ શ્વાસ લેશે.’

            ચીફ જસ્ટિસ મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે ગત વર્ષે 11 ઓક્ટોબરના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. જ્યારે આજે જણાવશે કે શું કોઈની લિવિંગ વિલ એટલે કે ઇચ્છા મૃત્યુની માન્યતા આપવી જોઈએ કે નહીં.   ઉલ્લેખનીય છે કે એક NGO કોમન કોઝ દ્વારા દાખલ કરવામાં આવેલ એક પીટીશનમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણની કલમ 21 અંતર્ગત જે રીતે નાગરીકોને જીવવાનો અધિકાર છે તે રીતે મરવાનો પણ અધિકાર છે. જે અંગે કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે ઇચ્છા મૃત્યુની કોઈને અનુમતિ આપી શકાય નહીં. પરંતુ મેડિકલ બોર્ડના નિર્દેશ મુજબ કોઈ મરણાસન્ન વ્યક્તિની સપોર્ટ સિસ્ટમ દૂર કરી શકાય છે. આ પહેલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે કહ્યું હતું કે ‘શું કોઈને પોતાની મરજી વિરુદ્ધ આર્ટિફિશીયલ સપોર્ટ સિસ્ટમ પર જીવવા માટે મજબૂર કરી શકાય છે? જ્યારે સમ્માનથી જીવનનો અધિકાર છે તો કેમ પછી સમ્માનથી મરવાનો અધિકાર નથી? શું ઇચ્છા મૃત્યુ પણ મૌલિક અધિકાર છે? તો સુપ્રીમ કોર્ટે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે આજકાલ ઘણા પરીવારોમાં વૃદ્ધ વ્યક્તિઓને એક ભારરુપ ગણવામાં આવે છે. એવામાં ઇચ્છા મૃત્યુમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.’

         NGO કોમન કોઝે 2005માં આ મામલે અપીલ દાખલ કરી હતી. જેના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ‘ગંભીર બીમારી સામે લડતા લોકોને લિવિંગ વિલ બનાવવાનો હક હોવો જોઈએ. કેમ કે આ માધ્યમ છે કે જેના દ્વારા વ્યક્તિ કહી શકે છે કે જો તેવી સ્થિતિમાં પહોંચી જાય જ્યાં જઈને તેના સારા થવાની શક્યતા ઓછી છે. ત્યારે આ ખૂબ મહત્વનું બની જાય છે.’ કોર્ટે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે કઈ રીતે નક્કી કરી શકાશે કે દર્દીની હેલ્થ સારી થઈ શકે તેવી કોઈ શક્યતા નથી. ત્યારે NGO તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે તેવું ડોક્ટર નક્કી કરી શકવા સમર્થ છે. કેમ કે હાલમાં આવો કોઈ કાયદો ન હોવાથી ડોક્ટર ફરજીયાત વ્યક્તિને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખે છે. જો હેલ્થ સારી જ નથી થવાની તો પછી તેના શરીરને વધુ પ્રતાડીત કરવાનો હક્ક નથી. કેન્દ્રે આ મામલે જવાબ આપતા કહ્યું કે, ‘જુદી જુદી કમિટી દ્વારા અનેક પરિસ્થિતિઓમાં ઇચ્છા મૃત્યુને યોગ્ય ગણાવ્યું છે પરંતુ સરકાર આ મામલે સમર્થન નથી કરતી. આ એક રીતે આત્મહત્યા સમાન છે. આ મામલે સુનાવણી કરતી પાંચ જસ્ટિસવાળી બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.કે. સિકરી, જસ્ટિસ એ.એમ. ખામવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે.’