Page Views: 30413

સચિન જીઆઇડીસીમાં ગાર્બેજ કલેકશનમાં ધાંધીયાથી ઉદ્યોગકારો પરેશાન

નોટીફાઇડ એરિયા ઓફીસરને રમાબેન રામોલિયાએ કોન્ટ્રાકટરો સામે પગલા ભરવા કરેલી માંગણી

સુરત-8-3-2018 (અમિત ગોંસાઇ દ્વારા)

સચિન જીઆઇડીસી નોટીફાઇડ એરિયામાં છેલ્લા કેટલાક સમયથી ગાર્બેજ કલેકશનમાં ધાંધીયા થઇ રહ્યા છે અને તેના કારણે ઉદ્યોગકારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. આ અંગે રમાબેન રામોલિયાએ સચિન નોટીફાઇડ એરિયા ઓફીસરને ફરિયાદ કરી છે. બીજી તરફ આ ફરિયાદ પાયા વિહોણી હોવાનું મયુર ગોળવાળાએ જણાવ્યું છે.

રમાબેન રામોલિયાએ સચિન નોટીફાઇડ એરિયા ઓફિસરને કરેલી ફરિયાદ પ્રમાણે, સચિન જીઆઇડીસીમાં આવેલા વિવિધ પ્રકારના ઔદ્યોગિક યુનિટોની બહારથી કચરો ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ કોન્ટ્રાકટરો દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી જીઆઇડીસીમાંથી ગાર્બેજ કલેકશન કરવાનું બંધ કરી દેવાયુ છે જેના કારણે યુનિટોની બહાર પડેલા કચરાના ડ્રમ વિવિધ પ્રકારના કચરાથી ઉભરાઇ રહ્યા છે. જો કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયા ચુકવી અને ગાર્બેજ કલેકશન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય તેની સામે સમયસર સર્વિસ ન મળતી હોય તો આ કોન્ટ્રાક્ટમાં કોઇને કોઇ સ્થળે ભ્રષ્ટાચાર થયો હોવાની સંભાવના પણ નકારી શકાય તેમ નથી. જેમને પણ કોન્ટ્રકટ લીધો છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ઉદ્યોગકારોને આ જટીલ સમસ્યામાંથી છુટકારો આપવામાં આવે એવી પણ માંગણી સચિન નોટીફાઇડ એરિયા ઓફીસર પાસે કરવામાં આવી છે.

))))) પાયા વિહોણી ફરિયાદ છે ઃ મયુર ગોળવાળા

હાલમાં હોળી ધૂળેટીના તહેવારો  હોવાને કારણે કચરો ઉઠાવવા માટે આવતા મજૂરો પોતાના વતન ગયા છે. બીજી તરફ બિહારી અને યુ પી ના કારીગરો પણ હોળીમાં વતન ગયા હોવાને કારણે સચિન વિસ્તારના યુનિટો ફુલ સમય ચાલતા નથી એટલે ગાર્બેજનો ભરાવો થવાનો પ્રશ્ન નથી રહેતો. આજથી દર રોજના ત્રણ ટ્રેકટરો દોડાવવામાં આવી રહ્યા છે અને ગાર્બેજ કલેકશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે એટલે આ ફરિયાદ પાયા વિહોણી છે એમ કહી શકાય.