Page Views: 30574

અકસ્માત બાદ ડો.તોગડીયાના તીખા તેવર જોઇ રેન્જ આઇ જી એ જિલ્લા પોલીસ વડા પાસે રિપોર્ટ માંગ્યો

ઝેડ પ્લસ સિક્યુરીટી પ્રમાણે બંદોબસ્ત હતો કે નહીં તેનો પણ ખુલાસો કરવો પડશે

સુરત-8-3-2018

 

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મંત્રી પ્રવિણભાઇ તોગડીયાની બુલેટપ્રુફ ર્સ્કોપીયો કાર સાથે ટ્રક અથડાયા બાદ પ્રવિણભાઇ તોગડીયા દ્વારા ઝેડ પ્લસ કક્ષાની સુરક્ષા હોવા છતા નિયમો મુજબ તેમને સુરક્ષા ન પુરી પાડવા સાથે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. ડો.તોગડીયાના તીખા તેવર જોઇને સુરતના રેન્જ આઇ જી દ્વારા સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે તેમજ જિલ્લા પોલીસ વડાને આ અંગે ઝીણવટભરી તપાસ કરીને બંદોબસ્તમાં ક્યાં કચાશ રહી ગઇ તેમજ તેનું કારણ શું છે એ સહિતની વિગતો રજૂ કરવા જણાવ્યું છે.

 સુરત રેન્જના આઇજીપી જી.એસ.મલ્લિકે ડો.તોગડીયને નડેલા અકસ્માત સંદર્ભે  તાકીદે તપાસ કરી તુર્ત જ પોતાને રીપોર્ટ આપવા માટે સુરત જીલ્લા પોલીસ વડા ડો.મહેશ નાયકને આદેશ કર્યો છે. જેમાં  નિયમ મુજબ મળવો જોઇતો સુરક્ષા કાફલો આપવામાં આવ્યો'તો કે કેમ? તે બાબતે સુરત રૂરલ એસપી પાસે તાકીદે રિપોર્ટ માંગ્યાની બાબતને સમર્થન આપ્યું છે.  અત્રે યાદ રહે કે, વડોદરામાં રાત્રી રોકાણ બાદ બુધવારે સવારે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મંત્રી પ્રવિણભાઇ તોગડીયા પોતાના ડ્રાઇવર હરીસિંહ તથા કમાન્ડો સાથે સુરત આવતા હતા ત્યારે કારનું સાયરન ચાલુ હોવા છતા કામરેજ ચાર રસ્તા પાસે એક ટ્રક ચાલક કોઇ ધ્યાન આપ્યા વગર ટ્રક ચલાવતા સ્કોર્પીયો કાર સાઇડમાં ઘસડાઇ હતી. સદનશીબે કોઇને ઇજા થઇ ન હતી.