Page Views: 63100

અમરોલીમાં મુખ્યમંત્રી આવાસનો વીજ પુરવઠો હાઉસીંગ બોર્ડના પાપે કપાયો

હાઉસીંગ બોર્ડે મેઇન્ટેનન્સ ઉઘરાવ્યા બાદ લાઇટ બિલ કે પાણી બિલ ન ભર્યાનો સ્થાનિક રહીશોનો આરોપ

સુરત-6-3-2018

શહેરના અમરોલી ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત હાઉસીંગ બોર્ડ દ્વારા બાંધવામાં આવેલા ગણેશપુરાના પાંચ હાઇ રાઇઝ ટાવરનું વીજ કનેકશન આજે ડીજીવીસીએલ દ્વારા કાપી નાંખવામાં આવ્યું હતું. જેના કારણે સંખ્યાબંધ લોકોને પરેશાનીમાં મુકાવાનો વખત આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે રાજ્યના હાઉસીંગ બોર્ડ દ્વારા અમરોલી ગણેશપુરા ખાતે 13 માળનો એક એવા પાંચ ટાવર બાંધવામાં આવ્યા છે અને કુલ 624 ફ્લેટ હાઉસીંગ બોર્ડ દ્વારા સ્થાનિક લોકોને લક્કી ડ્રો દ્વારા ફાળવવામાં આવ્યા છે. જ્યારે મકાન ફાળવવામાં આવ્યા ત્યારે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તમામ ફ્લેટ હોલ્ડરો પાસેથી લાઇફ ટાઇમ મેઇન્ટેનન્સ પેટે કુલ રૂપિયા 4 કરોડ 68 લાખ ઉઘરાવી લેવાયા હતા અને લિફટ, પાણીની મોટર, સ્ટ્રીટ લાઇટ તેમજ મહાનગર પાલિકાનો પાણીનો વેરો હાઉસીંગ બોર્ડ દ્વારા ભરપાઇ કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. હાઉસીંગ બોર્ડ દ્વારા  છેલ્લા બે વર્ષમાં મહાનગર પાલિકાને હાઉસીંગ પાણીવેરા પેટે ભરવાની થતી રૂપિયા 4.50 લાખ જેટલી રકમ ભરવામાં આવી ન હતી જેથી મહાનગર પાલિકા દ્વારા પંદર દિવસ પહેલા પાણીનું કનેકશન કાપી નાંખવામાં આવ્યું હતું. ત્યાર બાદ છેલ્લા કેટલાક સમયમાં લાઇટ બિલ પેટેના રૂપિયા 16 લાખ જમા ન કરાવવામાં આવતા ડીજીવીસીએલ દ્વારા આજે ગણેશપુરા હાઉસીંગનું વીજ કનેકશન પણ કાપી નાંખવામાં આવ્યું હતું જેના કારણે કુલ 624 પરિવારોને પરેશાનીનો સામનો કરવાનો વખત આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આ અંગે રજૂઆત કરવા છતા હાઉસીંગ બોર્ડ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી.