Page Views: 32420

અકાળે મોતને ભેટેલા શિલ્પકારના પરિવારને ગુજરાત કલા પ્રતિષ્ઠાને આપી રૂ.1.94 લાખ500ની સહાય

અમલસાડના પરામાં રહેતા મૃતક અજય પટેલનું સુરતમાં શિલ્પ ઇન્સ્ટોલેશન વખતે પથ્થર પડતા કરૂણ મોત થયું હતું

સુરત-6-3-2018

સમગ્ર ગુજરાતમાં છેવાડાના કલાકરને હાથમાં પીંછી પકડાવીને તેની કલાકૃતિને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી લઇ જનારી સુરતની ગુજરાત કલાપ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા માનવતાની મહેક પ્રસરાવતું ઉત્તમ કાર્ય તાજેતરમાં જ કરવામાં આવ્યુ છે. અમલસાડના અત્યંત ગરીબ પરિવારના શિલ્પકાર યુવાનના અકાળે અવસાન બાદ તેની બે પુત્રીઓને અભ્યાસ માટે આર્થિક સહાયનો ચેક આપી અને આ પરિવારને હુંફ આપી છે.

ગુજરાત કલા પ્રતિષ્ઠાનના અગ્રણી રમણીકભાઇ ઝાપડીયાએ આપેલી વિગતો પ્રમાણે, અમલસાડના નાના એવા પરામાં રહેતા શિલ્પકાર અજયભાઇ પટેલ એક મહિના પહેલા સુરતમાં નવા બની રહેલા આયલેન્ડ પર શિલ્પ ઇન્સ્ટોલેશન માટે આવ્યા હતા. મધરાતે જ્યારે આ શિલ્પ ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલતું હતું ત્યારે 700 કિલો વજનનો પથ્થર અજયભાઇ ઉપર પડતા તેમના શરીરના બે ટુકડા થઇ ગયા હતા અને અજયભાઇ પટેલનું કમકમાટીભર્યું મોત થયું હતું. અજયભાઇના મૃત્યુના પગલે તેમના પત્ની રોશનીબેન સહિત પાંચમા ધોરણમાં ભણતી પુત્રી નિધિ તેમજ નાની દીકરી ધ્રુવી કે જે બાલ મંદિરમાં ભણે છે આ તમામ નિરાધાર થઇ ગયા છે. આવા સમયે ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા અજયભાઇના પરિવારને આર્થિક મદદ કરી પુત્રીઓના અભ્યાસ માટે ફંડ એકત્ર કરવા ફેસબુક પર એક પોસ્ટ મુકવામાં આવી હતી.  ગુજરાત કલા પ્રતિષ્ઠાનના કલાનિધિ ફંડમાં દાન આપવા માટેની ટહેલ નાંખવા સાથે  પ્રથમ 11 હજાર રૂપિયા દાન જાહેર કર્યું જ્યારે રમણીકભાઇ ઝાપડીયાએ રૂપિયા પાંચ હજાર આ સહાયમાં આપવાની જાહેરાત કરી હતી. માત્ર ચાર દિવસના સમયગાળામાં ફેસબુકના માધ્યમથી રાજ્યના કલાકારો સહિત આમ જનતા દ્વારા ગુજરાત કલાપ્રતિષ્ઠાનને અજયભાઇ પટેલની બે પુત્રીઓના અભ્યાસ માટે રૂપિયા 1 લાખ 94 હજાર 500 જેટલી રકમ દાન પેટે આપવામાં આવી હતી.

આ તમામ દાનની રકમ એકત્ર કરીને ગુજરાત કલા પ્રતિષ્ઠાનના કલાનિધિ ફંડમાંથી રોશનીબેન અને તેમની બન્ને પુત્રીઓને બેન્ક ઓફ બરોડાની ભટાર શાખાનો રૂ.1 લાખ 94 હજાર 500નો ચેક આપવામાં આવ્યો હતો. એક કલાકારનું મૃત્યુ થાય અને ત્યાર બાદ તેના પરિવારને આર્થિક સહાય આપીને હુંફ આપવાનું કાર્ય ગુજરાત કલા પ્રતિષ્ઠાન જેવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું એ ખરેખર બિરદાવવા લાયક ઘટના કહી શકાય.