Page Views: 14843

ત્રિપુરામાં લેનિનની મુર્તિ તોડી પડાતા ડાબેરીઓ રોષમાં,રાજ્યમાં ભારે તંગદિલી

આ અંગે કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે ત્રિપુરાના ગવર્નર સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો

અગરતલા:-

         ત્રિપુરા વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ રાજ્યના હિંસા ભડકી ઉઠી છે. ઠેર-ઠેર તોડફોડ, મારપીટનો માહોલ છે ત્યારે હવે સામ્યવાદના પ્રણેતા ગણાતા વિચારકોના સ્મારકને પણ તોડવામાં આવી રહ્યા છે.

         ભાજપના કેટલાક સમર્થકોએ દક્ષિણ ત્રિપુરાના બેલોનિયામાં બુલ્ડોઝરની મદદથી રશિયન ક્રાંતિના હીરો વ્લાદિમીર લેનિનની મૂર્તિને તોડી પાડી છે.લેનિનની મુર્તિ તોડી પાડતો વીડીયો વાઇરલ કરવામાં આવી રહ્યો છે.આ વીડીયોમાં કેસરી ટોપી ધારણ કરેલાં કેટલાંક લોકો લેનિનની સ્ટેચ્યુ તોડતી સમયે ભારત માતા કી જય ના નારા લગાવી રહ્યાં છે.સામ્યવાદી વિચારધારાના પ્રતિક સમાન લેનિનની મૂર્તિ તોડાયા બાદ ડાબેરી સમર્થકો પણ નારાજ છે. જેના કારણે રાજ્યમાં હિંસા ભડકે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.આ અંગે કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે ત્રિપુરાના ગવર્નર સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.છેલ્લા બે દિવસથી મેઘાલયમાં પહેલાથી જ હિંસાનો માહોલ છે.રાજ્યની ચૂંટણીના પરિણામોમાં ડાબેરીઓની હાર અને ભાજપની જીત બાદ રાજ્યના અનેક વિસ્તારમાં ડાબેરીઓના કાર્યાલય પર હુમલા થયા છે. તેમજ ભારે તોડફોડ અને મારપીટ પણ થઈ છે.

         રાજ્યમાં ૨૫ વર્ષ સુધી સત્તામાં રહેનાર સીપીએમએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને આઈપીએફટીના કાર્યકર્તાઓ હિંસા પર ઉતરી આવ્યા છે. તેઓ ડાબેરીઓના કાર્યાલયમાં તોડફોડ કરવા ઉપરાંત કાર્યકર્તાઓના ઘર પર હુમલા કરીને તેમને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન રશિયન ક્રાંતિના પ્રતિક વ્લાદિમીર લેનિનની મૂર્તિ તોડનાર લોકો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ભાજપના સમર્થકોએ બુલ્ડોઝરના ડ્રાઈવરને દારુ પીવડાવી આ મૂર્તિ તોડવા ઉશ્કેર્યો હતો, અત્યારે પોલીસે બુલ્ડોઝર ડ્રાઈવરની ધરપકડ કરી છે અને બુલ્ડોઝર જપ્ત કરવામાં આવ્યુ છે.