Page Views: 24858

સગીર ભાણેજનું અપહરણ કરી દેહ વેપાર કરાવનાર માસી નવી સિવિલમાંથી ભાગી છુટી

બાથરૂમ જવાના બહાને નાસી છુટેલી લાલતી ઉર્ફે કસ્તુરી સહાનીને શોધવા પોલીસની દોડધામ

સુરત-5-3-2018

શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી પોતાની સગી ભાણેજનું અપહરણ કરી તેની પાસે દેહ વેપાર કરાવનારી માસી નવી સિવિલ હોસ્પિટલમાંથી નાસી છુટી છે. વહેલી સવારે નાસી છુટેલી આ મહિલા આરોપીને શોધવા માટે પોલીસ દોડતી થઇ ગઇ છે.

ખટોદરા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, નાનપુરા વિસ્તારમાં રહેતી પોતાની પંદર વર્ષની ભાણેજનું કોસાડ આવાસ ખાતે રહેતી લાલતી ઉર્ફે કસ્તુરી ઉર્ફે સંજુ કમલેશ દેવરાજ સહાનીએ ચાર મહિના પહેલા અપહરણ કર્યું હતું. ત્યાર બાદ પોતાની ભાણેજ પાસે લાલતીએ દેહ વેપાર શરૂ કરાવ્યો હતો અને તેને પાંચ અલગ અલગ યુવાને હવાલે કરી દીધી હતી. આ યુવાનોએ પંદર વર્ષની સગીરા સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો અને આ સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. બીજી તરફ પોતાની સગીર દીકરી ગુમ થયાની ફરિયાદ તેની માતાએ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ચાર દિવસ પહેલા માતા પોતાની પુત્રીને સુરતમાં જોઇ ગઇ હતી અને તેણે જ્યારે પોતાની પુત્રીને ક્યાં હતી એવુ પુછ્યું ત્યારે લાલતીના કરતુત અંગે તેને જાણ થઇ હતી. આ મામલે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચાર આરોપી સહિત આ સગીરાની માસી લાલતીને પણ ઝડપી પાડી હતી. ગેંગરેપની આ ઘટનાની તપાસ જારી છે ત્યારે આજે સવારે આ ગુનાની મુખ્ય આરોપી લાલતી ઉર્ફે કસ્તુરી સહાની નવી સિવિલ હોસ્પિટલમાં એફ-1 વોર્ડમાંથી બાથરૂમ જવાના બહાને બહાર નીકળીને નાસી ગઇ છે. આ અંગે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ ટ્વીંન્કલબેન વનરાજભાઇએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.