Page Views: 23307

વ્યાજ ખોરોના ત્રાસથી યુવાને કર્યો પોલીસ કમિશનર કચેરીમાં આત્મહત્યાનો પ્રયાસ

પુત્રીની સારવાર માટે એક લાખ લીધા બાદ રૂ.1.90 લાખ ચુકવ્યા છતા ઉઘરાણીનો ત્રાસ યથાવત

સુરત-5-3-2018

ડિંડોલી નિલકંઠ સોસાયટીમાં રહેતા સોની યુવાને વ્યાજખોરોના ત્રાસને કારણે પોલીસ કમિશનર કચેરીમાં જ ઝેરી દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે દોડતી થયેલી પોલીસની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

નવી સિવિલ ખાતેથી મળતી વિગતો અનુસાર, ડિંડોલી સણિયાગામ નજીક આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા કમલેશભાઇ સુરેશભાઇ સોની ભંગારનો ધંધો કરે છે. તેમની પુત્રી શ્રધ્દાને વર્ષ 2015માં શ્વાઇન ફ્લુ થઇ ગયો હતો અને તેની સારવાર માટે તેમણે શશીકાંત જયપ્રકાશ વાઘ પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા. ઉંચા વ્યાજની આ રકમ લીધા બાદ તેમણે નિયમિત વ્યાજ ચુકવવાનું શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં માત્ર વ્યાજ પેટે જ કમલેશભાઇએ અંદાજે રૂપિયા 1.90 લાખ ચુકવી દીધા હતા તેમ છતા પણ શશીકાંત દ્વારા સતત ત્રાસ આપી અને પઠાણી ઉઘરાણી કરવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને કમલેશ સોનીએ ડિંડોલી પોલીસમાં એક અરજી આપી હતી. પોલીસે રાબેતા મુજબની અરજીની જેમ જ તપાસ કરવાને બદલે કોઇ કાર્યવાહી કરી ન હતી. બીજી તરફ શશીકાંત વાઘની ઉઘરાણીનો ત્રાસ વઘતો જતો હતો જેથી રવિવારે કમલેશ સોની અઠવા લાઇન્સ સ્થિત પોલીસ કમિશનર કચેરી પર પહોંચ્યો હતો અને તેણે ઉંદર મારવાની દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કમલેશને દવાની અસર થતા તે બહોશ થઇ ગયો હતો અને કોઇ પોલીસ જવાનની નજર તેના પર પડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.

વ્યાજખોરના ત્રાસથી આ ઘટના બની હોવાની જાણ થતા ડિંડોલી પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે અને પઠાણી વ્યાજ વસુલ કરીને દાદાગીરી કરનારા શશીકાંત જયપ્રકાશ વાઘ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.