Page Views: 19070

ડિંડોલીમાં નાસ્તાની લારી પર વીજ કરંટ લાગતા ત્રણ યુવાનોના મોત

ગેરકાયદેસર વીજ લાઇન લંબાવી હોવાથી દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ

સુરત-5-3-2018

શહેરના ડિંડોલી વિસ્તારમાં કૈલાસ રેસીડન્સી ખાતે મધરાતે એક નાસ્તાની લારીની સાફ સફાઇ કરી રહેલા ત્રણ કારીગરોને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા આ ત્રણેય યુવાનોના મોત થયા હતા અને સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લારીમાં ગેરકાયદેસર રીતે વીજ લાઇન લંબાવીને જોડાણ લેવાયું હોવાનું બહાર આવ્યુ છે.

ડિંડોલી પોલીસના જણાવ્યા પ્રમાણે, ડિંડોલી કૈલાસ રેસીડન્સી ખાતે આવેલી દુકાનોની સામે ફુટપાથ ઉપર શ્રી ઉમિયા પાંઉભાજી અને ચાઇનીઝ ફુડની લારી ઉભી રહે છે આ લારીમાં કામ કરતા ત્રણ યુવાનો રવિવારે મધરાતે 12 વાગ્યાના સુમારે લારીને છુટ્ટા પાણીથી ધોઇને તેની સાફ સફાઇ કરતા હતા ત્યારે ત્રણેયને અચાનક વીજ કરંટના ઝાટકા લાગ્યા હતા જેના કારણે રાજુ જાટ, શિવા અને ગણેશ રાવત નામના ત્રણ કારીગરોને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેઓ દૂર ફેંકાઇ ગયા હતા. બનાવ અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 મોબાઇલ એમ્બ્યુલન્સને જાણ કરી હતી જેથી તેના ચાલક જીગરભાઇ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ત્રણેય યુવાનોને તપાસવામાં આવતા તેમના મોત થઇ ચુક્યાનું જણાયું હતું. જેથી 108ના સ્ટાફ દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી.

ઃઃઃઃલારીમાં વીજ લાઇન ગેરકાયદેસર રીતે ખેંચાઇ હતી

જે સ્થળે બનાવ બન્યો છે તે લારી દુકાનો સામેની માર્જીનની જગ્યામાં ઉભી રાખવામાં આવતી હતી અને તેમાં વીજ કનેકશન આ જગ્યા ભાડે આપનારની પ્રિમાઇસીસમાંથી ખેંચવામાં આવી હતી. જ્યાંથી વીજ પુરવઠો લેવાયો હતો તેમાં કોઇ જગ્યાએ વાયર ક્રેક થઇ જવાને કારણે જ આ દુર્ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.