Page Views: 35376

રન ફોર તાપી પછી હવે રન ફોર જળકુંભી...

તાપી માટે સુરતીઓને દોડાવી ઉઘરાણા કર્યા બાદ ન્યૂ ઇન્ડિયા માટે દોડાવ્યા જળકુંભીથી ઉભરાતી તાપી મૈયા માટે પાલિકા શાસકો ગંભીર નહીં બને તો કોંગ્રેસ આંદોલન કરવાના મુડમાં

સુરત-1-3-2018

મગધના રાજા ધનાનંદ પ્રજાને ઉત્સવ ઘેલી રાખીને તેના પર શાસન કરતા હતા અને એક દિવસ મગધમાંથી નંદનું નીકંદન નીકળી ગયું હતું. બસ એ જ પ્રકારે ભાજપ શાસકો સુરતીઓને ઉત્સવોના તાયફામાં વ્યસ્ત રાખીને તેમના પર શાસન કરીને ઉલ્લુ બનાવે છે પરંતુ હવે આ ખેલ લાંબો નહીં ચાલે એવો રોષ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ વ્યક્ત કર્યો છે તેમજ તાજેતરમાં જ રન ફોર ઇન્ડિયાના જે તાયફા સુરતમાં થયા તે પ્રકારે થોડા સમય અગાઉ રન ફોર તાપીના નામે ભાજપ શાસકોએ શહેરીજનોને દોડાવ્યા હતા. તાપી માટે દોડેલા સુરતીઓ આજે પાણી કાપનો સામનો કરી રહ્યા છે અને તાપી નદીમાં જળકુંભીના થર એટલા જામી ગયા છે કે, સુરતીઓ જ્યારે તાપીના બ્રીજ પરથી પસાર થાય છે ત્યારે તેમના મનમાંથી હાય નીકળી જાય છે. કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ આ અંગે જણાવ્યું છે કે, જો તાપીમાંથી જળકુંભી દૂર કરી અને સુરતીઓને પીવાનું શુધ્ધ પાણી પુરતા પ્રમાણમાં આપવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ દ્વારા લોકોને જાગૃત કરીને આંદોલન છેડવામાં આવશે. સુરત સહિત સમગ્ર સાઉથ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી તાપી નદી સ્વચ્છ કરવા માટે સુરતીઓના ગજવા હળવા કરીને ભાજપના શાસકોએ જે રૂપિયા ઉઘરાવ્યા છે તેનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો તેનો હિસાબ પણ તેમણે આમ જનતાને આપવો પડશે. જળકુંભી હટાવવા માટે સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકોને તાકીદે માસ્ટર પ્લાન જાહેર કરીને એ દીશામાં કામગીરી કરવાની માંગણી પણ દિનેશ કાછડીયા દ્વારા કરવામાં આવી છે.