Page Views: 16888

શ્રીદેવીના મોત અંગે સસ્પેન્સ યથાવતઃ આજે પાર્થિવદેહ મુંબઇ લવાશે ?

દુબઇ પોલીસ ઘટનાના મુળ સુધી પહોંચવા માંગે છેઃ બોની કપુરની પુછપરછ

મુંબઇ:-

         બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું દુબઇમાં રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ તેણીના પાર્થિવદેહને મુંબઇ લાવવાના મામલામાં હજુ સસ્પેન્સ યથાવત છે. જો કે સંભાવના છે કે આજે સાંજ સુધીમાં પાર્થિવ શરીર કદાચ મુંબઇ આવી જશે. યુએઇમાં ભારતીય રાજદુત નવદીપ સુરીએ જણાવ્યુ છે કે પોલીસે શ્રીદેવીના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સોંપી દીધો છે પરંતુ હજુ પણ ર થી ૩ વિભાગોથી દસ્તાવેજોએ પસાર થવાનુ છે. તેમણે કહ્યુ છે કે પ્રક્રિયામાં કોઇ વિલંબ થતો નથી. દુબઇમાં આવા મામલામાં ર થી ૩ દિવસનો સમય લાગે છે.

દુબઇની હોટલમાં શ્રીદેવીનું મોત બાથટબમાં ડુબી જવાને કારણે થયુ હતુ. ગલ્ફ ન્યુઝના જણાવ્યા પ્રમાણે શ્રીદેવીના મૃતદેહ પર લેપની પ્રક્રિયા હજુ પુરી થઇ નથી. જે આજે પુરી કરાશે. બીજી તરફ દુબઇ પોલીસે હવે આ મામલાને દુબઇ પબ્લીક પ્રોસીકયુશનને સોંપી દીધો છે. જેને કારણે શ્રીદેવીના પરિવારજનોને મૃતદેહ લેવા માટે સરકારી વકીલની પરવાનગીની રાહ જોવી પડે તેમ છે. દુબઇના નિયમ મુજબ આકસ્મિક મોતના આવા કેસમાં પીએમ રિપોર્ટ અને ફોરેન્સીક રિપોર્ટને સરકારી વકીલને આપી દેવાય છે.આજે તમામ પ્રક્રિયાઓ પુરી થઇ જાય તેવી શકયતા છે અને તે પછી ખાસ વિમાન દ્વારા તેણીનો મૃતદેહ મુંબઇ લઇ જવાશે. જો કે દુબઇના લીગલ એકસપર્ટના કહેવા મુજબ જો પબ્લીક પ્રોસીકયુશન વિભાગને આગળની તપાસ માટે ફરી પોસ્ટમોર્ટમની જરૂર જણાય તો તે સંબંધિત વિભાગને પાર્થિવ શરીરને મુંબઇ મોકલવાથી અટકાવી શકે છે.શ્રીદેવીના મોતનુ રહસ્ય ઉકેલવામાં લાગેલી પોલીસ અનેક કડીઓની તપાસ કરી રહી છે. પોલીસનો પ્રયાસ છે કે મુળ સુધી પહોંચવુ. આખરે કઇ રીતે અને કઇ પરિસ્થિતિમાં અમીરેટસ ટાવરના રૂમ નં.રર૦૧માં તેનો મૃતદેહ મળ્યો ? ખાલીજ ટાઇમ્સે દુબઇ પોલીસના હવાલાથી જણાવ્યુ છે કે પબ્લીક પ્રોસીકયુશન હવે તપાસ કરે છે કે આખરે કઇ પરિસ્થિતિમાં શ્રીદેવી બાથટબમાં ડુબી ગઇ ? શ્રીદેવીના મોતના મામલામાં રવિવારે સવારે શરૂ થયેલી તપાસ હજુ ચાલુ છે.

શ્રીદેવીનુ પાર્થિવ શરીર આ લખાય છે ત્યારે જનરલ ડિપા. ઓફ ફોરેન્સીક એવીડેન્સમાં રખાયુ છે. ફોરેન્સીક રિપોર્ટમાં ફકત ડુબવાની વાત જણાવાય છે તેથી અકસ્માત સાથે જોડાયેલી પરિસ્થિતિઓની વિગતો મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેથી કદાચ પાર્થિવદેહ મુંબઇ લાવવામાં વિલંબ થાય.