Page Views: 23831

પાટણ આત્મવિલોપનનો મામલોઃ તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરાઇ સીટની રચના

રાજ્ય સરકારે રચેલી સીટમાં અધ્યક્ષ તરીકે નરસિમ્હા કોમર IGP, સભ્ય તરીકે કિરીટભાઈ અધ્વર્યુ નિવૃત અધિક સચિવ, મકરંદ ચૌહાણ પોલીસ અધિકક્ષનો સમાવેશ

ગાંધીનગરઃ

                     પાટણની કલેક્ટર કચેરી ખાતે 15 ફેબ્રુઆરીએ આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરના મોત અંગે સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે રાજ્ય સરકારે સીટની રચના કરી છે. રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે પ્રત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, પાટણ જિલ્લાની દુદખા ગામના દલિત પરિવારની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ પ્રકારે સહાયરૂપ થવા માટે નિર્ણયો લીધા છે. આ ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે મહાનિરીક્ષકના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ દળ (SIT) રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તપાસ પંચ 31 માર્ચ પહેલા સંપૂર્ણ તપાસ કરીને અહેવાલ પરત કરશે. જે વ્યક્તિ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

                   રાજ્ય સરકારે રચેલી સીટમાં અધ્યક્ષ તરીકે નરસિમ્હા કોમર IGP, સભ્ય તરીકે કિરીટભાઈ અધ્વર્યુ નિવૃત અધિક સચિવ, મકરંદ ચૌહાણ પોલીસ અધિકક્ષનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામનો પરિવાર લાંબા સમયથી જમીન વિવાદને લઈને તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહ્યો હતો. પરંતુ તેમની રજૂઆત પર તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતુ નહોતું. જેને પગલે તેમણે અગાઉ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને આ ચીમકી સાથે જ તેઓ 15મી ફેબ્રુઆરીના રોજ બેનર અને જ્વલંતશીલ પ્રવાહી લઈને જિલ્લા સેવાસદન આવી પહોંચ્યા હતા. જોકે પોલીસે વિરોધકર્તાઓના હાથમાંથી બેનર લઈ લીધા હતા. તે સમયે ઊંઝાના ભાનુભાઈ નામના યુવકે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી અને કલેક્ટર કચેરી તરફ દોટ મુકી. દલિત આગેવાનની હાલત ગંભીર હોવાના કારણે તેને પાટણથી અમદાવાદ અપોલો હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જો કે દુ:ખ સાથે જણાવવાનું કે ભાનુભાઈનું વણકરનું 16મી ફેબ્રુઆરીએ મોત નિપજ્યું હતું.