Page Views: 32873

ગીતાંજલી જેમ્સની તપાસનો રેલો મહિધરપુરા મોટી હીરા બજાર સુધી પહોંચ્યો

કંસારા શેરી ખાતેની ઓફિસમાં તપાસ દરમ્યાન વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા

 સુરત-21-2-2018

 

 

પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરનારા નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીને ઇ ડી દ્વારા ચારે તરફથી ઘેરવામાં આવી રહ્યા છે. સતત એક સપ્તાહથી આ બન્ને મામા ભાણેજની ઓફિસો, ફેક્ટરીઓ અને ફ્રેન્ચાઇઝી શો રૂમો પર દરોડાનો દૌર ચાલી રહ્યો છે ત્યારે બુધવારે સવારથી ઇ ડી ના અધિકારીઓએ સુરત શહેરના મહિધરપુરા મોટી હીરા બજાર કંસારા શેરી ખાતે આવેલી ગીતાંજલી જેમ્સની એક સીસ્ટર કન્સલ્ટ કંપનીને ઝપટમાં લીધી હતી. આ ઉપરાંત શહેરના અન્ય બે સ્થળો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઇ ડી ના અધિકારીઓ દ્વારા ધીમે પરંતુ મક્કમતાથી મેહુલ ચોકસી અને નીરવ સાથે સંકળાયેલા ડાયમંડ ઉદ્યોગકારોને એક પછી એક વરૂણીમાં લેવામાં આવી રહ્યા છે. સવારથી ઇ ડી ના અધિકારીઓ દ્વારા મહિધરપુરા કંસારા શેરી ખાતેની ઓફીસમાં ચારે તરફથી કિલ્લેબંધી કરી અને તેના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે. અધિકારીઓને અહીંથી કરોડો રૂપિયાના બે નંબરી વ્યવહારો અને દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું કહેવાય છે. આ પ્રિમાઇસીસ કોના નામ પર હતી અને તેમાં ડાયમંડ સહિતનો ક્યો કારોબાર મેહુલ ચોકસી દ્વારા ચલાવવામાં આવતો હતો તેની તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ટુંકમાં મેહુલ ચોકસી અને નીરવ મોદી સાથે હીરાના ધંધામાં સંકળાયેલી તમામ વ્યક્તિને એક પછી એક ઝપટમાં લઇને ઇ ડી ના અધિકારીઓ દ્વારા તપાસનો દૌર આગળ ધપાવવામાં આવી રહ્યો છે.