Page Views: 235481

અઠવા ગેટ ધીરજસન્સમાં સ્લેબ પડ્યો –એક કર્મચારીનું મોત

મરનાર કર્મચારીની ઓળખ છુપાવવા ધીરજ સન્સના પ્રયાસ- રૂપસીંગની લાશ અડધો કલાક સિવિલમાં રઝળી

સુરત-21-2-2018

સુરત શહેરના જાણીતા એવા અઠવા ગેટ ખાતે આવેલા ધીરજસન્સમાં અંદરના ભાગે કરાયેલા ગેરકાયદેસર બાંધકામનો સ્લેબ સવારે 11 વાગ્યાના સુમારે ધડાકાભેર તુટી પડ્યો હતો. આ સ્લેબના કાંટમાળ નીચે દબાઇ જવાથી ધીરજસન્સના એક કર્મચારીનું મોત થયુ છે.

ફાયર બ્રીગેડ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના અઠવા લાઇન્સ ખાતે આવેલા ધીરજ સન્સ મેગા સ્ટોર્સના પહેલા માળ પર આવેલા સ્લેબ અને ઓપન સ્પેસ વચ્ચે પ્લાયનું પાર્ટીશન કરીને ટેમ્પરરી સ્લેબ બનાવી દેવાયો હતો. પહેલા માળ પર આવતા બીમની સાથે આ પ્લાયને એટેચ કરી દેવામાં આવી હતી અને ઉપરના ભાગે ક્રોકરી સહિતની ચીજ વસ્તુઓ મુકીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. આજે સવારે અગિયાર વાગ્યાના સુમારે વધારે પડતા વજનને કારણે પહેલા માળે કરવામાં આવેલા પાર્ટેશન સહિત હવામાં લટકતી દિવાલ સહિતનો ભાગ ધડાકા ભેર ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. જેના કારણે હજુ કામ પર આવી રહેલા ધીરજ સન્સના કર્મચારી રૂમસીંગ વસાવા (ઉ.વર્ષ-32)ના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સ્ટોર્સ હજુ ખુલી રહ્યો હોવાથી તેમાં લોકોની અવર જવર થોડી ઓછી હોવાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી હતી. ધીરજ સન્સના જ કર્મચારીઓ રૂમસીંગને કાંટમાળ નીચેથી બહાર કાઢી ઓટો મારફત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ રૂમસીંગને મૃત જાહેર કર્યો હતો.

હાલમાં ફાયર બ્રીગેડની ટીમ દ્વારા ધીરજસન્સ ખાતેથી કાંટમાળ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઃઃઃઃરૂમસીંગની ઓળખ છુપાવવા ધમ પછાડા કર્યા – લાશ રઝળતી રહી

ધીરજસન્સના સંચાલકો અને તેના સ્ટાફ દ્વારા મરનાર રૂમસીંગની ઓળખ છુપાવવા માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધમપછાડા કરવામાં આવ્યા હતા. રૂમસીંગને સારવાર માટે લાવેલા કર્મચારીઓએ રૂમસીંગનું નામ લખાવવામાં પણ અખાડા કર્યા હતા તેમજ મેનેજર આવે પછી નામ આપીશું એવા બહાના કર્યા હતા. જેના કારણે રૂમસીંગની લાશ અડધો કલાક સુધી નવી સિવિલ હોસ્પિટલમાં રઝળતી રહી હતી. રૂમસીંગ અઠવા લાઇન્સ ધીરજસન્સમાં નોકરી કરતો હતો અને તે પોતાના મિત્રો સાથે નાનપુરા વિસ્તારમાં જ રૂમમાં રહેતો હતો.