Page Views: 15478

વિધાનસભાના અધ્યક્ષપદે ભાજપે કરી રાજેન્દ્ર ત્રિવેદીની જાહેરાત

ગત સરકારમાં મંત્રી હોવા છતા આ વખતે મંત્રીમંડળમાં સ્થાન નહી અપાતા ત્રિવેદી નારાજ હતા

અમદાવાદ:-

        આખરે ભાજપ હાઈકમાન્ડે વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે વડોદરા રાવપુરામાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ત્રિવેદીનાં નામની જાહેરાત કરી છે. નવા મંત્રીમંડળમાં ગત વખતે મંત્રી રહી ચૂકેલા ત્રિવેદી સહિત વડોદરા જિલ્લામાંથી કોઇને પણ સ્થાન નહી અપાતા ત્યાંના ધારાસભ્યો ખુબ જ નારાજ હતા.

         તેમને ખુશ કરવા માટે આખરે એડ્વોકેટ એવા રાજેન્દ્ર ત્રિવેદીને અધ્યક્ષપદની જવાબદારી સોંપવાનો સત્તાવાર નિર્ણય લેવાયો હોવાની જાહેરાત પણ થઇ ગઇ છે.અગાઉ આ પદ માટે નીમાબહેન આચાર્ય સહિતનાં ત્રણથી ચાર નામ ચર્ચામાં હતા. જેમાં ત્રિવેદી બધાને પાછળ રાખીને આગળ નીકળી ગયા છે. ભાજપ દ્વારા તેમને આ અંગેની સત્તાવાર જાણ કર્યા બાદ તેઓએ પોતાની વડોદરા ઓફીસમાં ખાસ પૂજા-અર્ચના કરી હતી. તેમજ શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં મળતા દોડી આવ્યા હતા.હવે આવતીકાલે શનિવારે તેઓ અધ્યક્ષપદ માટેનું ફોર્મ ભરશે જો કે અધ્યક્ષ કોઈપણ પક્ષનો સભ્ય હોતો નથી પરંતુ તટસ્થ હોય છે. આથી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ શુક્રવારે જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.

         અત્રે નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને માત્ર ૯૯ બેઠકો જ મળી છે. આમ છતાં વડોદરા શહેર અને જિલ્લામાંથી વધુ સ્ન્છ ભાજપમાંથી ચૂંટાયા છે. આવી સ્થિતિમાં પણ આ વિસ્તારનાં એકપણ ધારાસભ્યને મંત્રી મંડળમાં લેવાયા ન હોવાથી ધૂંધવાટ જોવા મળ્યો હતો. અમુક ધારાસભ્યોએ તો મુખ્યમંત્રી તેમજ ભાજપના નેતાઓ સમક્ષ પોતાની વ્યથા પણ ઠાલવી હતી.આખરે ભાજપ હાઈકમાન્ડે હાલ પૂરતું આ રોષ શાંત પાડવા માટે રાજેન્દ્ર ત્રિવેદીને અધ્યક્ષપદ આપવાનું નક્કી કરી લીધું છે. અધ્યક્ષનું પદ પણ કેબીનેટ કક્ષાના દરજ્જા જેવું છે.