Page Views: 16845

પાટણમાં અગ્નિસ્નાન કરનાર ભાનુપ્રસાદ વણકરનું મૃત્યુ: પાટણ સજ્જડ બંધઃ ટાયરો સળગાવાયા, સિદ્ધપુરમાં ચક્કાજામ

દોષિતો સામે પગલા લેવા, ભોગ બનનારા આધેડને ન્યાય અપાવવા માગ

અમદાવાદ:-

             જમીન વિવાદને પગલે પાટણ જિલ્લાના દુદખા ગામના એક આધેડે કરેલા આત્મવિલોપનને મામલે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આ હચમચાવી મૂકી દે તેવી ઘટનાના વિરોધમાં પાટણ જિલ્લાએ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. આ બંધ દરમિયાન ક્યાંક ગરમાગરમીનો માહોલ તો  ક્યાંક નાના-મોટા હુમલાની પણ ઘટના બની હતી. પાટણ જિલ્લાના ઈતિહાસમાં  સંભવતઃ સૌપ્રથમ વાર બનેલી આત્મવિલોપનની ઘટનાએ માનવ સંવેદનાને હચમચાવી મૂકી છે અને તેની સામે નારાજગીનો જ્વાળામૂખી ભભૂકી ઉઠયો છે.

          ગુરુવારે સાંજે જ પાટણના કેટલાક દલિત સંગઠનો દ્વારા શુક્રવારે પાટણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી નારાજ થયેલા દલિત સંગઠનના યુવાનોએ બગવાડા દરવાજા ખાતે એકત્ર થઇ બજારો બંધ કરાવવા નીકળી પડતા વાતાવરણ તંગ બન્યું હતું. ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી પણ બંધ પાળવા માટે વેપારીઓને અપીલ કરી હતી અને આ વાત સમગ્ર પાટણ શહેરમાં પ્રસરી જતાં મુખ્ય બજારો ટપોટપ બંધ થયા હતા. બીજી બાજુ કેટલાક યુવાનોના ટોળા દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા અને બસ સ્ટેન્ડ જઇને રોષ વ્યક્ત કરતા સવારની બસની ટ્રીપ સ્થગિત કરવી પડી હતી. સિદ્ધપિર ચોકડી પાસે યુવાનોએ ૧૦ મિનિટ સુધી ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો જ્યારે બગવાડા દરવાજા પાસે ટાયરો બાળી સરકાર વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો હતો. આ ઉપરાંત પાટણ વહિવટી તંત્રના એસ.પી. કલેક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાટણ બંધને પગલે આજે સલામતી બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાટણ કલેક્ટર કચેરીની બહાર પણ અભૂતપૂર્વ સલામતી બંદોબસ્ત તૈનાત કરાયો હતો. આત્મવિલોપનને રોકવામાં પોલીસ, વહિવટી તંત્ર નિષ્ફળ સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (સી)એ એક યાદીમાં જણાવ્યું છે કે, 'પાટણ જિલ્લા કલેક્ટરની વ્યસ્ત કચેરીમાં સરકારી અધિકારીઓ-પોલીસની હાજરી છતાં સામાજિક કાર્યકર ભાનુભાઇના આત્મવિલોપનની ઘટના રોકી શકાઇ નહીં તે ઘટના જ આઘાતજનક છે. સરકારી તંત્રની નીંભરતા અને નિષ્ક્રિયતાનું આ પરિણામ છે. રાજ્યની ભાજપ સરકાર દલિતોને તેમના હક્કની જમીન ફાળવવાની બાબતમાં સતત ઉપેક્ષા કરી રહી છે. રાપરમાં જબ્બરદાન ગઢવી, રાજકોટમાં નેપાલી કુટુંબ વગેરે કિસ્સામાંથી પણ ભાજપ સરકારે કોઇ બોધપાઠ લીધો નથી.'