Page Views: 14638

75 નગરપાલિકાઓમાં શનિવારે ખરાખરીનો જંગ, 19મીએ પરિણામ

ગત વખત કરતા બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. હવે ભાજપની ફરીથી અગ્નિ પરીક્ષા થવા જઈ રહી છે

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખુબ રસાકસી જોવા મળી હતી. ભાજપે 192 બેઠકોમાંથી 99 બેઠકો પર જીત મેળવી હતી. જો કે ગત વખત કરતા બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. હવે ભાજપની ફરીથી અગ્નિ પરીક્ષા થવા જઈ રહી છે. આવતી કાલે એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 75 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ સાથે બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયતો અને 1423 ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી થનાર છે. મતગણતરી 19મીએ હાથ ધરાશે. જોવાનું રહેશે કે ભાજપ બહુમતી જાળવી રાખે છે કે પછી કોંગ્રેસ મજબુતાઈથી ભાજપને ફાઈટ આપે છે.

કુલ 75 નગરપાલિકાઓ માટે મતદાન 
રાજ્યની કુલ 75 નગરપાલિકાઓ જેમાં અમદાવાદની બાવળા, ધંધુકા, સાણંદ, અમરેલીની જાફરાબાદ, રાજુલા, ચલાલા, લાઠી, આણંદની કરમસદ, વલ્લભવિદ્યા નગર, આંકલાવ, બોરીયાવી, ઓડ, કચ્છની ભચાઉ, રાપર, ખેડાની ચકલાસી, મહેમદાવાદ, ડાકોર, ખેડા, મહુધા, ગાંધીનગરની માણસા, જામનગરની ધ્રોલ, જામજોધપુર, કાલાવડ, ગીર સોમનાથની કોડીનાર, જુનાગઢની માંગરોળ, માણાવદર, જુનાગઢની બાંટવા, ચોરવાડ, વિસાવદર વગેરે સામેલ છે.

આ 75 નગરપાલિકાઓમાંથી 59 પર ભાજપનું પ્રભુત્વ છે. આ વખતે જોવાનું રહેશે કે ભાજપ પ્રભુત્વ જાળવી રાખીને બેઠકમાં વધારો કરે છે કે પછી કોંગ્રેસ ગઢમાં થી કાંકરા ખેરવવામાં સફળ થાય છે.

બે જિલ્લા પંચાયત માટે મતદાન 
ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયત માટે આવતી કાલે મતદાન યોજનાર છે. આ બંને પંચાયતો હાલ ભાજપ પાસે છે. જો કે ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી પરંતુ ત્યારબાદ ભાજપ પ્રભુત્વ મેળવવામાં સફળ રહ્યું.

17 તાલુકા પંચાયતો માટે મતદાન 
3 જિલ્લાની કુલ 17 તાલુકા પંચાયત માટે આવતી કાલે મતદાન હાથ ધરાશે. જેમાં ખેડાની કઠલાલ, કપડવંજ, ગાંધીનગરની ગાંધીનગર, બનાસકાંઠાની ડીસા, પાલનપુર, કાંકરેજ, થરાદ, દિયોદર, ભાભર, દાંતીવાડા, વડગામ, ધાનેરા, દાંતા, અમીરગઢ, વાવ, લાખાણી, સુઈગામ છે.

1423 ગ્રામ પંચાયતો માટે મતદાન 
આમ તો ગ્રામ પંચાયતો માટે યોજાતી ચૂંટણી કોઈ રાજકીય પક્ષોના ચિન્હ હેઠળ યોજાતી નથી પરંતુ ગત વખતે યોજાયેલી ચૂંટણીમાં મોટા ભાગના સરપંચો ભાજપના પ્રભુત્વવાળા હતાં. 32 જિલ્લાની કુલ 1423 ગ્રામ પંચાયતો માટે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ જામનગરની 226, વડોદરાની 190, ભાવનગરની 128, આણંદની 125 પંચાયતો સામેલ છે.