Page Views: 18649

પાટણકાંડ,આત્મદાહ કરનાર પીડીતનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે:સીએમ વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અપીલ કરી

અમદાવાદ:-

પાટણ કલેક્ટર કચેરી ખાતે પૂર્વ તલાટી ભાનુભાઈ વણકર દ્વારા કરવામાં આવેલ આત્મદાહના પ્રયત્નને લઈ રાજકીય વિવાદ ગરમાઈ રહ્યો છે. ત્યારે આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે સરકાર સમગ્ર ઘટનાને લઈ ખૂબ જ ગંભીર છે. સરકારે ઘટનાની તપાસ રાજ્યના મુખ્ય સચિવને સોંપી છે. આ ઘટનામાં જે કોઈપણ દોષિત હશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે રાજ્યમાં આ પ્રકારની ઘટના ન થવી જાઈએ. આ એક સામજિક પ્રશ્ન છે જેનો સત્વરે ઉકેલ લાવવો જરુરી છે. આ મુદ્દે રાજકારણ રમવાની જરુર નથી.સીએમ રૂપાણીએ જાહેરાત કરી હતી કે પીડિતની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. તેમજ સરકાર દ્વારા એપોલો હોસ્પિટલને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જરુરી તમામ ઉચ્ચકક્ષાની સારવાર કરવામાં આવે.અમારા માટે અત્યારે પીડિત વ્યક્તિનો જીવ બચે તે મહત્વનુ છે. જ્યારે આ ઘટનાની તપાસ દરમિયાન જે કોઈ વ્યક્તિ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક સરકારી અધિકારીને અમદાવાદની એપોલો હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા, સાથે જ મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અપીલ કરી હતી.
 

મહત્વનુ છે કે જમીન વિવાદ મુદ્દે ઉંઝાના કાર્યકર અને પૂર્વ તલાટી ભાનુભાઈ વણકરે ગુરુવારે બપોરના સમયે પાટણ કલેક્ટર કચેરીની સામે પોતાના શરીરે જ્વલંતશીલ પદાર્થ છાંટી આગ લગાવી દીધી હતી, જેના પગલે તેમને ગંભીર હાલતમાં ગાંધીનગર નજીક આવેલ એપોલો હોપિટલ ખસેડાયા છે, જ્યાં અત્યારે તેમની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યુ છે.