Page Views: 15420

વધુ ફી ઉઘરાવી વાલીઓને હેરાન કરતી સ્કૂલોને સરકાર પોતાને હસ્તક લે તેવી માંગ

સરકારની ફી મર્યાદા કમિટી સમક્ષ વાલીમંડળોની રજૂઆત

અમદાવાદ:-

                ફી નિર્ધારણ કાયદા અંતર્ગત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે નવી ફી મર્યાદા નક્કી કરવા માટે કમિટી રચી છે ત્યારે આ કમિટી સમક્ષ સંચાલકો અને વાલીઓ પોતાની લેખિત રજૂઆતો આપી રહ્યા છે.

                આજે વધુ બે વાલી મંડળે અને ડીપીએસ સ્કૂલ વાલી મંડળે કમિટી સમક્ષ લેખિત રજૂઆત આપી હતી.જેમાં વાલીઓની ફરિયાદ છે કે સ્કૂલો વિવિધ રીતે ફી લઈને નફોજ કમાય છે અને વાલીઓને ધમકી આપી હેરાન કરે છે.જે સંચાલકો સ્કૂલ બંધ કરવાની ધમકી આપે છે તેની પાસેથી સ્કૂલનો કબ્જો લઈ સરકાર પોતાના હસ્તક લઈ લે.સરકારે ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેનના અધ્યક્ષ સ્થાને નિમેલી ૬ સભ્યોની કમિટીને અત્યાર સુધી રાજ્યમાંથી ઘણા સંચાલકોએ, ઘણા વાલી મંડળોએ લેખિતમાં રજૂઆતો આપી છે.અગાઉ ગુજરાત વાલી મંડળે રજૂઆત આપ્યા બાદ આજે ગુજરાત હિતરક્ષક સમિતિ તથા ટેક્સ પેયર્સ મંડળ તથા પેરેન્ટસ એકતા મંચ સહિતના સંગઠનોએ કમિટીને લેખિત રજૂઆતો આપી હતી.આ ઉપરાંત અમદાવાદની ડીપીએસ સ્કૂલના વાલીમંડળે રજૂઆતો આપી છે.

                જેમાં ફરિયાદ કરવામા આવી છે કે સંચાલકોએ હજારો રૃપિયાની ટ્રાન્સપોર્ટેશન ફી નામે નફો કમાય છે.જેથી આટલી બધી ટ્રાન્સપોર્ટેશન ફી બંધ કરાવી કિ.મી.પ્રમાણે ફી લેવાય અને લેઈટ ફી સામે વસુલાતો દંડ બંધ કરાવાય તથા એડવાન્સ ફી લેવાનું બંધ કરાવી માસિક ફીનો કડક નિયમ કરાવાય.સ્કૂલમાં ફીના ધોરણ માટે બિલ્ડીંગ કે અન્ય સુવિધાઓ જ મહત્વની નથી પરંતુ સ્કૂલોએ બિલ્ડીંગના નામે વધુ ફી લેવાનું શરૃ કર્યુ છે.આ ઉપરાંત ગુજરાત હિત રક્ષક સમિત અને પેરેન્ટ એકતા મંચે રજૂઆત કરી છે કે સરકારે આરટીઈ એક્ટ હેઠળ અભ્યાસ કરીને ૧૫થી૨૭ હજારની ફી મર્યાદા નક્કી કરી છે. સરકાર આરટીઈ હેઠળ સ્કૂલોને ૧૩ હજાર રૃપિયા આપે છે અને સરકાર પોતે પણ ૧૩ હજાર સુધીનો જ સ્કૂલોને ખર્ચ થતો હોવાનું માને છે તેમ છતાં પ્રાથમિક સ્કૂલ માટે ૧૫ હજાર ફી મર્યાદા નક્કી કરાઈ છે.જેથી ૧૫ હજારથી ફી વધવી ન જોઈએ અને હાલની ફી મર્યાદા યથાવત રાખવામા આવે.