Page Views: 47923

મુંબઇ હાઇકોર્ટે કહ્યું GST પબ્લીસીટી સ્ટન્ટ- સિસ્ટમ ટેક્સ ફ્રેન્ડલી નથી

જસ્ટીસ એસ સી ધર્માધિકારી અને ભાતી ડાંગરની બેંચની ટીપ્પણી લોકોની ફરિયાદો તાકીદે દૂર કરો

મુંબઇ-13-2-2018

જીએસટીને લઇને એક તરફ સરકાર તેને ક્રાંતિકારી પગલુ ગણાવી રહી છે તો બીજી તરફ બોમ્બે હાઇકોર્ટે આને કેન્દ્ર સરકારનું પબ્લીસીટી સ્ટંટ ગણાવ્યુ છે. બોમ્બે હાઇકોર્ટે જીએસટી પર આકરૂ વલણ અપનાવ્યુ છે. કોર્ટે કહ્યુ છે કે ભલે કેન્દ્ર સરકારે જીએસટી અંગે મોટાપાયે પ્રચાર અને પ્રસાર કર્યો હોય પરંતુ આ ટેકસ ફ્રેન્ડલી નથી. જસ્ટીસ એસ.સી.ધર્માધિકારી અને ભાતી ડાંગરેની બેન્ચે એક કંપનીની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ પહેલી ઘટના છે કે જયારે કોઇ અદાલતે જીએસટીને લઇને આ પ્રકારની ટિપ્પણી કરી હોય. અદાલતે સરકારને કહ્યુ છે કે, તે વહેલી તકે જીએસટી અંગેની ફરિયાદો દુર કરે.

અબીકૌર એન્ડ બેન્જેલ ટેકનોવેલ્ડ નામની કંપનીની અરજીની સુનાવણી કરતા ખંડપીઠે કહ્યુ હતુ કે, જીએસટીનો ઘણો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો અને તેને લોકપ્રિય ગણવામાં આવ્યો. આ આયોજનોનો કોઇ અર્થ નથી. સંસદનુ ખાસ સત્ર બોલાવવુ કે મંત્રીમંડળની ખાસ બેઠક બોલાવવી, તેનાથી કરદાતાને કોઇ મતલબ નથી. જો તેમને વેબસાઇટ અને પોર્ટલ સુધી પહોંચવાનુ સરળતાથી થઇ ન શકે તો ત્યાં સુધી આ ટેકસ પ્રણાલી અનુકુળ નથી.

ફરિયાદી કંપનીએ દાવો કર્યો છે કે જીએસટી નેટવર્ક પર તે પોતાની પ્રોફાઇલ એકસેસ ન કરી શકયા જેના કારણે ઇ-વે બિલ્સ જનરેટ કરી ન શકયા અને અમે અમારો સામાન કયાંય મોકલી ન શકયા. આ બાબતે બેન્ચે કહ્યુ હતુ કે, જીએસટીને લઇને આ પ્રકારની ફરિયાદો અનેક અદાલતોમાં દાખલ થઇ છે. કોર્ટે આ મામલામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે અને ૧૬મી સુધીમાં તે આપી દેવા જણાવ્યુ છે.

અદાલતે આશા વ્યકત કરી છે કે, આ નવા કાનૂનને લાગુ કરવાવાળા ઓછામાં ઓછા હવે જાગશે અને તેને યોગ્ય રીતે લાગુ કરશે. કોર્ટે કહ્યુ છે કે દેશની છબી, સમ્માન અને પ્રતિષ્ઠા બચાવવા માટે આવુ કરવુ જરૂરી છે.  કારણ કે અત્યારે આપણે વિદેશી રોકાણકારોને રોકાણ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. અમે આશા કરીએ છીએ કે આવી અરજીઓ ઓછી થશે અને કોર્ટને આ નવા ટેકસ કાનુનને લાગુ કરવા માટે નહી જણાવાય. કોર્ટે કહ્યુ છે કે સરકાર જીએસટી પોર્ટલના એકસેસથી જોડાયેલી પરેશાનીઓ દુર કરવાની સિસ્ટમ વહેલી તકે ઉભી કરે કે જેથી લોકો મુશ્કેલી ઉભી થાય તો તે ઉકેલી શકે. જીએસટી ત્યારે જ સફળ ગણાશે કે જયારે પોર્ટલ પર લોકો સરળતાથી પહોંચી પોતાનુ રિટર્ન ફાઇલ કરી શકશે.